કોરોના મહામારી વચ્ચે લેબોરેટરી સંચાલકો હાથે લખેલા રિપોર્ટ પધરાવે છે હળવદ : કોરોના મહામારીમાં દર્દીને સાજો નરવો કરવા લેબોરેટરીના રિપોર્ટ મહત્વના હોય છે. પરંતુ, હળવદ શહેરમાં આવેલી જુદી-જુદી લેબોરેટરીમાં લોલમલોલ ચાલી રહી હોય એક જ દર્દીના અલગ અલગ રિપોર્ટ આવતા હોવાથી દર્દીઓની સાથે ડોકટર્સ પણ ગોથે ચડી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે. હાલ કોરોના મહામારીમાં સામાન્ય તાવ આવ્યો હોય તો પણ ડોક્ટરો લેબોરેટરીના રિપોર્ટનો આગ્રહ વધારે રાખતા હોય છે. જે જરૂરી પણ છે. પરંતુ હળવદ શહેરમાં આવેલી જુદી-જુદી લેબોટરીઓમાં હાલ અત્યારે તો દર્દીઓને રીતસરના લૂંટી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તેની સાથે સાથે લેબોરેટરીમાં પણ લોલમલોલ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. તેનો જીવતો જાગતો પુરાવો હળવદ શહેરમાં રહેતા જીતેન્દ્રભાઈ કવૈયા છે કે જેઓને ગઈકાલે શરીરમાં નબળાઈ જણાતા શહેરમાં આવેલ એક ખાનગી દવાખાને જતા ડોક્ટર દ્વારા રિપોર્ટ કરાવવાનું કહેલ જેથી જીતેન્દ્રભાઈએ શહેરમાં આવેલ દીક્ષિત લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા માટે ગયા હતા. જ્યાં રિપોર્ટ કરાવતા જીતેન્દ્રભાઈનુ સીઆરપી 113 આવ્યુ હતુ. જેથી તેઓ દ્વારા ડોક્ટરને બતાવતા ડોક્ટર પણ ગોથે ચડી ગયા હતા અને એમડી ડોક્ટરને બતાવી સીટી સ્કેન કરવા સલાહ આપી હતી. જોકે દર્દીને કંઈ વધુ તકલીફ ન પડતી હોય જેથી તેઓને રિપોર્ટ ઉપર શંકા જતા તેઓ દ્વારા શહેરમાં આવેલ અન્ય ઉમીયા લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતા ત્યાંના રીપોર્ટમાં સીઆરપી માત્ર ૨૦ આવતાએ દર્દી રાહતનો શ્વાસ લીધો હતો. આ બધાની વચ્ચે સૌથી મોટી વાત તો એ છે કે શહેરની લેબોરેટરીઓમાં પણ લોલમલોલ ચાલી રહ્યું છે. વધુમાં લોકો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે, હાલ આ કપરી પરિસ્થિતિ વચ્ચે લેબોટરીના સંચાલકો મન ફાવે તેવી રીપોર્ટની ફી લોકો પાસેથી લઈ રહ્યા છે. જેથી આ તંત્ર આ દિશામાં પણ તપાસ કરવામાં આવે તે જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે.