કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનના પ્રમુખ ડી.કે.પટેલના અવસાન બાદ આયુષ હોસ્પિટલને વેન્ટિલેટર દાનમાં અપાયું મોરબી : મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં આજે પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલને વેન્ટિલેટર દાનમાં આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે પરિવારમાં કોઈનું અવસાન થાય ત્યારે પરિવાર દ્વારા સ્વજનની પાછળ કોઈને કોઈ જગ્યાએ દાન પુણ્ય કરવામાં આવતું હોય છે ત્યારે જોધપર ગામ સ્થિત મોરબી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવનના પ્રમુખ દેવરાજભાઈ કાળુભાઇ આઘારા (ડી. કે.પટેલ) નું કોરોનાની મહામારીમાં અવસાન થયા બાદ તેમના પરિવાર દ્વારા તેમની યાદમાં મોરબીની આયુષ હોસ્પિટલને એક વેન્ટિલેટર દરેક સમાજના દર્દીને બચાવવા દાનમાં આપવામાં આવ્યું છે. સમયની જરૂરિયાત મુજબ હાલમાં સૌથી વધુ જે ચીજની અછત સતાવી રહી છે એ દિશામાં પહેલું પગલું ભરીને અધારા પરિવારે સમાજને નવી રાહ ચીંધી છે. આમ, તો ડી કે પટેલનું અવસાન એટલે પાટીદાર સમાજ માટે મોટી ખોટ ગણાય કારણ કે ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેના માટે ડી.કે.પટેલ નામ અજાણ્યું હોય, પાટીદાર સમાજ આસ્થાના ધામ એવા સિદસર ધામમાં પણ તેઓ કારોબારી સદસ્ય હતા. જોકે આખું જીવન સમાજસેવા કરનાર ડી.કે.પટેલનું અવસાન પણ યાદગાર બની ગયું છે. કોરોનાએ ફરી એક વખત માણસને લાચારીનો અહેસાસ કરાવ્યો છે. જુદા જુદા સમાજોએ અનેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉભી કરવા કાયમ પ્રયાસ કર્યા જ છે. પરંતુ મેડિકલ ક્ષેત્રમાં આવી જરૂરિયાત ઉભી થશે એવી તો કોઈએ કલ્પના પણ નહીં કરી હોય હાલની સ્થિતિમાં રાજાથી લઈને રંક સુધીના દરેક પરિવારો હોસ્પિટલના બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર જેવી સુવિધાઓ માટે હેરાન પરેશાન છે. ત્યારે આવી સ્થિતિમાં પાટીદાર સમાજના અગ્રણી દેવરાજભાઈ અધારાનો જીવનદીપ બુજાયો છે. તેવા સમયે તેમના પુત્ર કાંતિલાલભાઈ અઘારાએ પિતાની યાદમાં મોરબીની આયુષ હોસ્પિટલને એક વેન્ટિલેટરની મદદ કરવાનો નિર્ણય કરી પિતા આખી જિંદગી સમાજસેવા કરતા રહયા અને તેમના અવસાન બાદ તેમના પુત્રએ પણ સમયોચિત ચીજની મદદ કરી આગામી સમય માટે જે ખાસ જરૂરી છે. એવા મેડિકલ ક્ષેત્રે સુવિધાઓ વધારવાની દિશા સૂચન કર્યું છે.