મોરબી : સામાન્ય રીતે કોરોનના દર્દીઓ સાથે સાવચેતી રાખીને યોગ્ય દેખભાળ અને હૂંફ આપવામાં આવે તો દર્દીઓ ઝડપથી સાજા થઈ જતા હોય છે. ત્યારે આ બાબતને મોરબીના જોધપર ગામે આવેલા પાટીદાર કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતા સ્ટાફે ખરા અર્થમાં સિદ્ધ કરી છે. જેમાં નર્સે મહિલા દર્દીની યોગ્ય દેખભાળ કરીને પરિવારજન જેવી હૂંફ આપી હતી. મોરબીના જોધપર ગામે પાટીદાર સમાજ માટે પાટીદાર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દાખલ થતા દર્દીઓની સઘન સારવારની સાથે સ્ટાફ દ્વારા પરિવારજન જેવી જ હૂંફ આપવામાં આવે છે. આ પટીદાર કોવિડ કેર સેન્ટરમાં આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા એક મહિલા દર્દી સજા થઈ ગયા બાદ નર્સ તરીકે ફરજ બજાવતા પૂજાબેને આ મહિલા દર્દીની સંપૂર્ણપણે દેખભાળ કરી હતી. જેમાં તેમના વાળ ઓળી દેવા સહિતની રૂટિન દિનચર્યા કરાવીને નર્સ પૂજાબેને માનવ ધર્મ નિભાવ્યો હતો. આ ઉપરાંત તેઓએ દર્દીઓ સાથે આત્મીયતાપૂર્વક દેખભાળ કરીને પોતાની ફરજની સાથે માનવતા મુઠી ઉંચેરી હોવાની મિશાલ કાયમ કરી હતી.