દોઢથી બે કિલોની કેન્સરની ગાંઠ કાઢી માદા શ્વાનને પીડા મુક્ત કરી મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં એક માદા શ્વાન કેન્સરની ગાંઠથી પીડાતી હોવાની જાણ થતાં 1962 એનિમલ કરુણા હેલ્પલાઇનની ટીમ તે વિસ્તારમાં દોડી ગઈ હતી અને માદા શ્વાનની કેન્સરની ગાંઠની સફળતાપૂર્વક સર્જરી કરીને તેને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી. જેમાં દોઢથી બે કિલોની કેન્સરની ગાંઠ કાઢી માદા શ્વાનને પીડા મુક્ત કરી હતી. મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં એક રખડતી માદા શ્વાનને પાછળના ભાગે કેન્સરની ગાંઠ થઈ હોવાથી તે ભારે પીડાથી કણસતી હોવાથી જગૃત નાગરિકે આ અંગે 1962 એનિમલ કરુણા હેલ્પલાઇનની ટીમને કોલ કર્યો હતો. આ બનાવની જાણ થતાં તાકીદે 1962 એનિમલ કરુણા હેલ્પલાઇનની ટીમ મહેન્દ્રપરા વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને એનિમલ કરુણા હેલ્પલાઇનની ટીમના ડો.તાલિબભાઈએ માદા શ્વાનનું ચેકઅપ કરીને કેન્સરની ગાંઠનું તાત્કાલિક ઓપરેશન કરવાનો અભિપ્રાય આપ્યો હતો. આ બાબતની ગંભીરતાને લઈને તુરત નિર્ણય લઈ એનિમલ કરુણા હેલ્પલાઇનની ટીમના ડો.તાલિબભાઈ, પાઇલોટ ધર્મેશભાઈ, ડો.સુનિલભાઈ સહિતની ટીમે સાધન સામગ્રી સાથે સ્થળ ઉપર જ માદા શ્વાનનું ઓપરેશન કરીને 1.50 થી 2 કિલોની કેન્સરની ગાંઠ કાઢી માદા શ્વાનને પીડા મુક્ત કરી હતી.