ક્લાસ વન કક્ષાની સાત જગ્યામાંથી એકપણ જગ્યા ભરાયેલ નથી મોટાભાગનું કામ ઇન્ચાર્જના હવાલે હળવદ : હાલ કોરોનાએ ભારે માથું ઉચક્યું છે. ત્યારે હળવદમાં પણ દરરોજ ચિંતાજનક કેસમાં વધારો થઈ રહ્યો છે. જેની સામે મૃત્યુઆંક પણ વધતો જઈ રહ્યો છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. હળવદ સરકારી હોસ્પિટલમાં મોટાભાગની જગ્યાઓ ખાલી છે એટલે કહી શકીએ કે માત્ર ૪૦ ટકા જગ્યાઓ જ ભરેલી છે અને ૬૦ ટકા જેટલી જગ્યા ખાલી છે. જેથી જાગૃત લોકો પણ કહી રહ્યા છે કે આટલી બધી જગ્યાઓ ખાલી હોય તો લોકોને સારવાર કેવી રીતે મળે? અને મળે તો સાજા કેમ થાય? હળવદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા ૧૮ વર્ષથી એમડી ડોક્ટરની નિમણૂક જ નથી કરાઈ. સાથે જ અન્ય પણ ક્લાસ વન અધિકારીઓની સાત જગ્યા છે કે જે હજુ સુધી ભરાઈ નથી. સાથે જ સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે હળવદ સરકારી હોસ્પિટલમાં માત્ર ત્રણ એમબીબીએસ ડોક્ટરો છે અને તેઓ દ્વારા હાલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હળવદ સરકારી હોસ્પિટલમાં સાત જગ્યાઓ એવી છે કે જે ક્લાસ વન કક્ષાના અધિકારીઓની છે. જેમાં એમ.ડી, ગાયનેક ડોકટર, બાળકોના ડોક્ટર, જનરલ સર્જન સહિત સાત ક્લાસ વન કક્ષાના અધિકારીઓની જગ્યાઓ હાલ ખાલી છે. જેમાં અમુક જગ્યા પર ઇન્ચાર્જ દ્વારા કામ ચલાવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે, હળવદ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની સાથે સાથે ૧૩ સ્ટાફ નર્સની જગ્યા ખાલી છે. અહીં કુલ સ્ટાફ નર્સની ૨૦ જગ્યા છે. જેમાં હાલ ૭ જ સ્ટાફ નર્સ છે. જેથી, ખાલી જગ્યા વહેલી તકે ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. હળવદ તાલુકાની કુલ ૩.૪૦ લાખ જેટલી વસ્તી છે. અહીં લોકો નાની-મોટી બીમારીનો ભોગ બનેતો તાલુકા કક્ષાએ જ સારવાર મળી રહે તે માટે નવેમ્બર ૨૦૧૯માં સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મંજુર તો કરી નાખવામાં આવી હતી. પરંતુ હજુ સુધી પાયાનું પણ કામ થયું નથી. તે નરી વાસ્તવિકતા છે.