છેલ્લા ચાર દિવસમાં કોઠાસૂઝથી ઓક્સિજન સિલિન્ડર મેઇન્ટેન કરતા 37 જેટલા પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવી જરૂરિયાતમંદોને આપ્યા મોરબી : મોરબીમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટતા ઓક્સિજનની જરૂર પડે છે. આથી, હોસ્પિટલમાં અને કોવિડ સેન્ટરોમાં દર્દીઓને આપવા માટે ઓક્સિજન મેઇન્ટેન કરવા માટે ખાસ પ્રેશર કંટ્રોલ વાલ્વની ઘટ જોવા મળતી હોવાથી એક યુવાને પોતાની કોઠાસૂઝ કામે લગાડીને આવા 37 જેટલા પ્રેશર કંટ્રોલ વાલ્વનો આવિષ્કાર કર્યો છે અને આ યુવાને છેલ્લા ચાર દિવસમાં કોઠાસૂઝથી ઓક્સિજન સિલિન્ડર મેઇન્ટેન કરતા પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવી જરૂરિયાતમંદો આપ્યા છે. મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગર ગામે રહેતા જયેશભાઇ શેખવાએ જણાવ્યું હતું કે, હું દરેક વાહનોના રીપેરીંગનું ગેરેજ ચાલવું છું. હું માત્ર આઠ ચોપડી જ ભણેલો છું. ભણેલો ભલે ઓછું હોય પણ મારામાં કુદરતી બક્ષિસ જ એવી છે કે, હું વાહનો કે અન્ય કોઇ કામમાં ઉપયોગમાં લેવાતા મશીનો કે સ્પેર પાર્ટ એકવાર બરોબર રીતે જોઈ લઉં તો તરતજ એના જેવા આબેહૂબ મશીન બનાવી શકું એવી મારી કોઠાસૂઝ છે. દરમિયાન હમણાંથી કોરોનાની ઘરેઘરે બીમારી ફેલાઈ ગઈ છે ત્યારે મારા એક પરિચીત પણ કોરોનાની બીમારીમાં સપડાયા પછી એમને ઓકિસજનની જરૂર પડી પણ ઓક્સિજનના સિલિન્ડરનું પ્રેશર કંટ્રોલ કરી શકે તેવા વાલ્વની ઘટ હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. આવી કપરા સમયે મારી કોઠાસૂઝ જોઈને મારા મિત્રોએ મને પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવવાની સલાહ આપી અને એના માટે આર્થિક સહયોગ પૂરો પડયો. પછી મેં એ મશીનનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને બજારમાં મળતા મટીરીયલ મંગાવ્યા એ સાથે જ શરૂ થયું પ્રેશર કંટ્રોલ વાલ્વ બનાવવાનું કાર્ય એમાં સફળતા પણ મળી છે અને છેલ્લા ચાર દિવસમાં આવા 37 જેટલા મશીન બનાવવા અને હજુ આ કાર્ય ચાલુ જ છે. એક વાલ્વ મશીન બનાવવા માટે રૂ. 1200 જેટલો ખર્ચ થાય છે. પણ હું જરૂરિયાતમંદ દર્દીઓને આ વાલ્વને વિનામૂલ્યે આપે છે. જ્યારે અમુક પાસેથી માત્ર મટીરીયલનો જ ખર્ચો લઉં છું. આ કામ વ્યવસાય માટે નહીં પણ બીજાને ઉપયોગી થવા માટે કરું છું તેમ તેમણે જણાવ્યું હતું.