મોરબી : ધર્મભૂમિ ભારતવર્ષમાં વિશ્વશાંતિના ઉદ્દેશ સાથે અને લોકકલ્યાણ અર્થે યજ્ઞયજ્ઞાદિ તો થાય જ છે. પણ તેની સાથે અનેકવિધ કઠોર તપ, સાધના- આરાધનાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવેલ છે. મોરબીમાં બેલા-ભરતનગર રોડ પર આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહરધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય-દિવ્ય અવસર પર મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના રાધિકાનંદજી મહારાજ કે જેઓ રેતીવાલે બાબા તરીકે વિખ્યાત છે. તેઓ હાલ મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ આશ્રમના પ્રાંગણમાં રેતીના ખૂબ મોટા ઢગલા પર સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધી બેસે છે અને આ બળબળતા ઉનાળામાં ગરમાગરમ લાહ્ય વચ્ચે બળતી રેતીને આખા શરીરે ચોળે છે. તેઓ આ કઠોર તપસ્યા કરી રહ્યા છે, જે ખોખરા હનુમાનજી હરિહરધામ મુકામે તા. 27 સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે આવું તપ તેઓ છેલ્લા 24 વર્ષોથી કરી રહ્યા છે અને પ્રતિવર્ષ તેઓની તપસ્યાનો સમયગાળો મહાશિવરાત્રીથી પ્રારંભ કરી પ્રથમ વરસાદનું આગમન થાય ત્યાં સુધીનું હોય છે.