બેડ-ઓક્સિજન-રેમડેસીવીરની અછત તાત્કાલિક દૂર કરી મોતના મુખમાં ધકેલાઈ રહેલી જિંદગીઓને બચાવવાની માંગ મોરબી : મોરબીમાં બેડ- ઓક્સિજન- રેમડેસીવીરની અછતને પગલે ભારે અંધાધૂંધી ફેલાઈ છે. લોકો હેરાન- પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ પ્રશ્નો હલ કરવા જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. સાથોસાથ એવો અણીયારો સવાલ પણ પૂછ્યો હતો કે, તમામ સમાજના આગેવાનો જો એક રાતમાં આઇસોલેશન બેડની સુવિધા કરી શકતા હોય તો આ તંત્ર કેમ ન કરી શકે? સામાજિક આગેવાનો મેહુલભાઈ ગાંભવા, રાજેશભાઇ એરણીયા, યોગેશભાઈ પટેલ, રાઠોડ ભગિરથસિંહ અને નરેન્દ્રભાઈ દેસાઈએ કલેક્ટરને રજુઆતમાં જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારી આપણા જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે આ બીમારીના કારણે મોટા પ્રમાણમાં લોકો હોસ્પિટલમાં દાખલ થયેલ છે. આપ પણ મોરબીની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ હશો. હાલ મોરબીના તમામ હોસ્પિટલો હાઉસફુલ થયેલ છે. જિલ્લાના માણસો અન્ય જગ્યા રાજકોટ, જામનગર, મહેસાણા, કડી, ભુજ, સુરેન્દ્રનગર, પાટડી, અમદાવાદ જવા મજબૂર થયેલ છે. જેથી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે બેડ વધારવાની માંગ કરીએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે મોરબી કલેક્ટર દ્વારા આજે રેમડેસીવીર ઇન્જેક્શન માટે હોસ્પિટલમાં એડમિટ દર્દીઓ માટે વ્યવસ્થા વિચારી છે. પરંતુ હોમ આઇસોલેટ દર્દીઓએ ઓક્સિજનની જાત વ્યવસ્થા કરી હોય તો તેમને ઓક્સિજન બોટલ રિફીલિંગ તથા રેમડેસીવીર ઇન્જેક્શન માટેની જોગવાઈ કરી આપવાની સમયસર વ્યવસ્થા નહિ ગોઠવાઈ તો અનેક જિંદગી મોતના મુખમાં ધકેલાઈ જશે. તમામ સમાજના આગેવાનો જો એક રાતમાં આઇસોલેશન બેડની સુવિધા કરી શકતા હોય તો આ તંત્ર કેમ ન કરી શકે? શુ તંત્રને આ કામમાં રસ નથી? જેથી તાત્કાલિક ધોરણે મોરબી જિલ્લામાં આઈસીયુ બેડ તેમજ ઓક્સીજન બેડ સહિતના બેડની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગ છે. અંતમાં જણાવ્યું હતું કે તંત્રએ સામાજિક સંગઠનો, કાર્યકર્તાઓ અને ઉદ્યોગકારોના સહયોગનો સમન્વય કરી વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા નક્કર આયોજનની તાતી જરૂરિયાત છે.