કોરોનાના સુપર સ્પ્રેડરોને શોધવા વેપારીઓએ ફરજીયાત કોરોના ટેસ્ટ કે રસીનું પ્રમાણપત્ર રાખવાનું રહેશે ટંકારા : ટંકારા શહેર અને તાલુકાની વણસી રહેલ સ્થિતિ વચ્ચે જીલ્લા કલેકટર દ્વારા કોરોનાના સુપર સ્પ્રેડરોને શોધવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. જેમા વેપારીઓની દુકાને જઈ RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અને કોરોનાને અટકાવવા માટે વેપારીઓ, લારીવાળા, સીક્યુરીટી ગાર્ડ, હોટલ-રેસ્ટોરન્ટના સ્ટાફ, પાન-ચાવાળા, હેરસલુન, બ્યુટીપાર્લર, શોપિંગવાળાના કોરોના ટેસ્ટ કરાશે. આ અંગે ટંકારા મામલતદાર નરેન્દ્ર શુક્લની અધ્યક્ષતામાં પોલીસ સબઇન્સ્પેકટર બી. ડી. પરમારએ અગ્રણીઓ અને વેપારીઓ સાથે તાકીદે મિટીંગ બોલાવી હતી. જેમાં આરોગ્ય રથ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે પ્રાઈવેટ લેબોરેટરીમા તત્કાલ રીપોર્ટ કરાવી લેવા જણાવ્યું હતું. અને જે લોકોએ કોરોના વેક્સીન લીધેલ છે તેમને જાહેરનામાના અમલમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે તે લોકોએ રસીકરણનું પ્રમાણપત્ર અધિકૃત અધિકારીના માંગ્યેથી રજુ કરવાનું રહેશે અને આ જાહેરનામુ તા. ૨૦/૪થી તા૧૦/૫ સુધી અમલમા રહેશે. જેની ટંકારાના વેપારીઓ અને લાગતાવળગતાઓએ નોધ લેવા અંતમાં ટકોર કરી હતી.