હળવદ : કોરોના મહામારી દરમિયાન હળવદ તાલુકાના દર્દીઓ ઓક્સિજન ન મળવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે હળવદ તાલુકાને ઓક્સિજનનો પુરતો જથ્થો મળી રહે તે માટે વ્યવસ્થા કરવા બાબતે સામાજિક કાર્યકર તપન આર. દવે દ્વારા કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે કોરોના મહામારીમાં હળવદ તાલુકામાં મોટી સંખ્યામાં લોકો કોવિડ-૧૯થી સંક્રમિત થયા છે. જેમાં અનેક કોરોના પોઝીટીવ દર્દીઓનું ઓક્સિજન લેવલ ઓછું થઇ જવાથી ઓક્સિજનની તાતી જરૂર પડે છે. હળવદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં આશરે ૭૦ ગામડાઓ આવેલા છે અને હળવદ નગરપાલિકા વિસ્તારમાં પણ ૭ વોર્ડ આવેલા છે. ત્યારે આ વસ્તી પ્રમાણે હળવદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ (SDH) ખાતે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે ફક્તને ફક્ત ૮ બેડ જ કાર્યરત છે. અત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ હોમકોરોન્ટાઈન કોરોના પોઝીટીવ દર્દીઓને ઓક્સીજનની સુવિધા મળી રહે તે માટે પ્રયત્ન કરી રહી છે. જે ઓક્સીજનની ખાલી બોટલો રીફીલીંગ માટે અત્યાર સુધી સુરેન્દ્રનગર જતી હતી. પરંતુ સુરેન્દ્રનગરના કલેકટર દ્વારા સુરેન્દ્રનગર ખાતે કાર્યરત એજન્સીને જીલ્લા બહારના નાગરિકોને ઓક્સીજન નહી આપી શકાય તેવી લેખિત સુચના આપી છે. ત્યારે હળવદનો જુનો જીલ્લો સુરેન્દ્રનગર હોવાથી હળવદ મેડીકલ ક્ષેત્ર માટે વર્તમાનમાં પણ સુરેન્દ્રનગર સાથે જોડાયેલ છે. તો સુરેન્દ્રનગરના કલેકટર સાથે સંકલન કરીને હળવદ તાલુકાને સુરેન્દ્રનગરથી ઓક્સીજનના બાટલા રીફીલીંગની વ્યવસ્થા મળી રહે, જે અત્યાર સુધી મળતી હતી, તે માટે પ્રયત્ન કરવા અન્યથા તે શક્ય ન બને તો મોરબી ખાતેથી હળવદ તાલુકાના દર્દીઓ માટે ઓક્સીજન મળી રહે તેવી વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી છે. ઓક્સીજન ન મળવાથી અનેક કોરોના પોઝીટીવ સહીત અન્ય ઓક્સીજનની જરૂરિયાત છે તેવા દર્દીઓ ઓક્સીજન સમયસર ન મળવાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે અને અમુલ્ય જીંદગી ગુમાવવાનો વારો આવે છે ત્યારે આ વિષયને ગંભીરતાથી લઈને સત્વરે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગણી કરાઈ છે.