મોરબી : મોરબીમાં શનાળા રોડ પર આવેલ સ્પર્શ હોસ્પિટલના ડો. મનીષ એ. સનારિયા (નવજાત શિશુ તથા બાળરોગના નિષ્ણાત) દ્વારા બાળકોના સંદર્ભમાં કોરોના અંગે સૂચનો આપ્યા છે. જે નીચે મુજબ છે. હાલના સંજોગોમાં કોઈપણ ઘરમાં બાળકને તાવ, ઉધરસ, શરદી, ઉલ્ટી, થાક, માથું દુખવું જેવા લક્ષણ શરુ થાય તો શું કરવું? 1. કોરોનાના સંક્રમણની શરૂઆત છે તેમ માનીને તેને ઘરના વડીલોથી દુર કરો. માસ્ક પહેરી શકે તેમ હોય તો જરૂર પહેરાવો ને ઘરના બધા લોકો પણ પહેરો, ઘરમાં જ આઇસોલેશન કરી દો. 2. કોઈ રિપોર્ટ જલ્દી કે જાતે કરાવી લેવાની ભાગદોડ ના કરો કારણ અત્યારે લેબોરેટરીમાં ખુબ ભારણ અને લાઈન લાગેલી છે. 3. તમારા ડૉક્ટરને બતાવો પણ દવાખાને લઈ જવાનું કામ વડીલોને ના સોંપો. બાળક દ્વારા તેમને સંક્રમિત થવાથી બચાવો. 4. ડૉક્ટરના માર્ગદર્શન મુજબ જરૂર હોય ત્યારે અને તેટલા જ રિપોર્ટ કરાવો. યાદ રાખો, મોટાઓ જેવા HRCT કે D-Dimer, Ferritin ના રિપોર્ટની બાળકોમાં જરૂરત નહિવત છે. 5. જે બાળક ફલૂના લક્ષણ ધરાવે છે અને શરૂઆતમાં નેગેટિવ આવે છે, તે બે-ચાર દિવસમાં વાયરસનો લોડ વધતા પોઝિટિવ આવી શકે એટલે આવું દરેક બાળક પોઝટિવ જ છે તેમ માનીને ચાલવું. 6. બાળકમાં લક્ષણો જલ્દી જતા રહે છે અને ત્રણ-ચાર દિવસમાં સારું પણ થઈ જાય, છતાં તે દસ-બાર દિવસ સુધી બીજાને ચેપ ફેલાવતું રહે છે, તેનું પણ આઇસોલેશન જરૂરી છે. 7. પાંચ-સાત વરસથી નાના બાળક માટે માં અને બાળક નિકટતાને કારણે એક જ વિભાગ ગણાય એટલે માં કે બાળક બેમાંથી એક પોઝિટિવ આવે તો બંને પોઝિટિવ જ છે તેમ માનવું. 8. ધાવણું બાળક હોય તો પણ તેને માં સાથે જ રાખવું, ધાવણ ચાલુ રાખવું અને માંએ બધી સાવચેતી રાખી બાળક સાથે આઇસોલેટ રહેવું. 9. ઘરમાં એક પોઝિટિવ આવે તો તે ઘરના નેગેટિવ લોકોએ બીજા પરિવારમાં જતા રહેવાની અને આમ કરી ફેલાવો વધારવાની બદલે તે જ ઘરમાં આઇસોલેશન કરવું, શક્યતા પુરી જ છે કે તેઓમાં પણ થોડા દિવસ પછી લક્ષણ દેખાશે. 10. યાદ રાખો.. આપણે સારવાર રિપોર્ટની નહીં પણ દર્દીની કરવાની છે. ડૉક્ટર ફોન પર રિપોર્ટ જોઇ શકે પણ દર્દીને તપાસી ના શકે. 11. હાલના સંજોગોમાં લગભગ બધા જ તબીબો ફોન પર પોતાના દર્દીઓને માર્ગદર્શન આપી સમાજ સેવા કરી રહ્યા છે. આ સેવાનો ડૉક્ટરે નિર્ધારિત કરેલ સમય અને નંબર પર જ લાભ લો.