વી. સી. હાઇસ્કુલ ખાતે આજથી રેમડીસીવરનું વિતરણ શરૂ થવાનું હોવાથી વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા પણ હજુ સુધી રેમડીસીવરનો જથ્થો ન આવતા દર્દીઓની કપરી કસોટી મોરબી : મોરબીમાં કોરોના કહેર વચ્ચે કોવિડની સારવાર માટે મહત્વના ગણાતા રેમડીસીવર ઇજકેશનોની આજે પણ રામાયણ યથાવત રહી છે. જેમાં આજથી મોરબીની વીસી હાઇસ્કુલ ખાતેથી રેમડીસીવર ઇન્જેક્શનોનું વિતરણ શરૂ થવાનું હોવાથી વહેલી સવારથી જ લોકોએ ઉમટી પડી લાઈનો લાગવી હતી. પરંતુ હજુ સુધી રેમડીસીવરનો જથ્થો જ ન આવતા લાઇનમાં કલાકો સુધી ઉભેલા દર્દીઓની કપરી હાલત સર્જાઈ હતી. મોરબીમાં કોવિડની સારવાર માટેના મહત્વના રેમડીસીવર ઇન્જેક્શનોની માથાકૂટ હળવી થવાનું નામ લેતી નથી. જો કે અગાઉ ત્રણ દિવસ સુધી તંત્રએ મોરબીની સિવિલમાં લોકોને જરૂરી ડોક્યુમેન્ટ સાથે આ ઇન્જેક્શનોનું વિતરણ શરૂ કર્યું હતું. પરંતુ સ્ટોક ઓછો હોય અને ભીડ વધુ હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાતી હતી. આથી, સિવિલમાં ભીડને ઓછી કરવા માટે તંત્ર દ્વારા મોરબીની વી. સી. હાઇસ્કુલ ખાતે આજથી દર્દીઓને રેમડીસીવરનું વિતરણ કરવાનું આયોજન ઘડી કાઢ્યું છે. આથી, દર્દીઓ પણ આ ઇન્જેક્શનો લેવા માટે વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. જેમાં હોમ આઈસોલેશન, કોવિડ કેર સેન્ટરમાં દાખલ હોય એવા દર્દીઓની અલગ અલગ લાઈનો ગોઠવી છે અને અલગ-અલગ કાઉન્ટર પણ ગોઠવ્યા છે. તંત્રે વ્યવસ્થા તો યોગ્ય ગોઠવી પરંતુ આજે સવારના 9 વાગ્યાથી 12 એમ ત્રણ કલાક જ આ ઇન્જેક્શનોનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લે મળતી માહિતી મુજબ સવારના 10-30 થી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી રેમડીસીવરનો જથ્થો જ આવતા લાઈનમાં કલાકો સુધી ઉભા રહેલા દર્દીઓએ અકળાયા હતા.