જીવનપર્યંત સેવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર શિવાબાપાના અવસાનથી પાટીદાર સમાજમાં ઘેરો શોક મોરબી : મોરબીમાં આજીવન સેવાના ભેખધારી શિવલાલ ઓગાણજા (શિવાબાપા)નો જીવનદીપ બુઝાઈ ગયો છે. જીવનપર્યંત સેવામાં જીવન સમર્પિત કરનાર શિવાબાપાના અવસાનથી પાટીદાર સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. પાટીદાર સમાજના તમામ ક્ષેત્રેના અગ્રણીઓએ શિવાબાપાની નિષ્ઠાપૂર્વકની માનવ સેવાને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મોરબીના ઉમિયા સર્વિસ કલાસ ફોરમ પરિવારે શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું કે, શિવાબાપા આજે આપણી વચ્ચે નથી, પણ તેમની સામાજિક ભાવના અને સામાજિક સેવા હરહંમેશ બાપાની યાદ અપાવતી રહેશે. સામાજિક ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેલા બાપાનો અભ્યાસ બી.કોમ. સુધીનો હતો. બરવાળા ગામ તેમનું માદરે વતન છે. રાજકોટ નાગરિક સહકારી બેંક મોરબી શાખાના પૂર્વ ચેરમેન, પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટના પૂર્વ મંત્રી, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ટ્રસ્ટી, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પૂર્વ પ્રમુખ અને મંત્રી, સુકન્યા બોન્ડ (રવજી બાદશાહ) અને ઊંઝા તેમજ સુરત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ઉચ્ચ શિક્ષણ સહાય માટેની તમામ માહિતી અને માર્ગદર્શન માટેની પ્રવૃત્તિઓ કરનાર અમે ખાસ કરીને પોતે એક કર્મચારી ના હોવા છતાં આપણાં ઉમિયા સર્વિસ ફોરમ માટે હંમેશા કોઈપણ કાર્ય માટેના માર્ગદર્શક અને આર્થીક યોગદાન આપ્યું હતું. આવી તો અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જાતને જોડનારા પૂજ્ય શિવલાલ બાપા આપણી વચ્ચેથી વિદાય લઈ અગમ અગોચર અલખની વાટ પર પ્રસ્થાન કરી ગયા છે ત્યારે મૂક સેવક, સેવાના ભેખધારી એવા પૂજ્ય શિવલાલ બાપાને શ્રી ઉમિયા સર્વિસ કલાસ ફોરમ પરિવાર શ્રધ્ધાંજલી પાઠવે છે. સામાજિક-રાજકીય ક્ષેત્રે અગ્રણીશ્રી શિવલાલ ઓગણજાના અવસાનથી મોરબીને ભારે મોટી ખોટ પડી : બ્રિજેશ મેરજા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શિવાબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું છે કે સામાજિક-રાજકીય ક્ષેત્રે અગ્રણી શિવલાલ ઓગણજાના અવસાનથી મોરબીને ભારે મોટી ખોટ પડી છે. મોરબીના સામાજિક ક્ષેત્રે વર્ષોથી કાર્યરત અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને પ્રથમ પંકિતના આગેવન અને મુક સેવક શિવલાલ ઓગણજાના અવસાનથી તેઓએ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. મુઠી ઉચેરા શિવાબાપાનું સમગ્ર જીવન કર્મશીલ રહ્યું અને તેઓ તંદુરસ્ત સમાજના નિર્માણ ભારે જીવનભર ભગીરથ પ્રયાસો કરનાર આ કર્મશીલનું જીવન અનેકને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતુ રહેશે.