મોરબી : 'આયુર્વેદિક જીવનશૈલી'ના રાજ પરમાર (મો. ૯૭૨૨૬ ૬૬૪૪૨) દ્વારા ઔષધીય વનસ્પતિ ગળો વિષે લેખ રજૂ કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે. આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે જેને ખડકી ગળો કહે છે. કડવા લીમડા પર ચડેલી ગળો સર્વોત્તમ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ઔષધ તરીકે ઉપયોગ ન કરવો. આયુર્વેદના મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી, તીખી, ઉષ્ણવીર્ય, રસાયન, બળકર, પાચનકર્તા, હ્ર્દય માટે હિતકારી, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ, રક્તદોષ, પાંડુરોગ, કમળો, લીવરના રોગ, પ્રમેહ, ત્રીદોષ, કમળો, ઉલ્ટી, હૃદયરોગ, ઉધરસ, કૃમિ, મંદાગ્નિ જેવા અનેક રોગો મટાડે છે. રાસાયણિક દ્રષ્ટિએ ગળોમાં બર્બેરિન સહિત અન્ય ક્ષાર, ગિલોઇન નામનું કડવું ગ્લુકોસાઈડ, એક ઉડનશીલ તેલ તથા વસામ્લ જેવા તત્વો રહેલા છે. હવે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએતો આયુર્વેદના ગ્રંથ ચરકસંહિતામાં રસાયને ગડુચી રસો ગડુચ્યાસ્તુ | વિષમજ્વરે ગડુચ્યા: રસમેવ વા|| કામલાયામ ગડુચ્યા: વા રસં | શીતં મધુયુતં પ્રાતઃ કામલાર્ત: પિબેન્નર: || સ્તન્યશુદ્ધયર્થમ અમૃતાસપ્તપર્ણત્વકકાથશ્વૈવ સનાગરમ || અર્થાત ગળોનો રસ રસાયન તરીકે વાપરવામાં આવે છે. વિષમજવરમાં ગળોનો રસ પીવો. કમળાંમાં ગળોનો રસ મધ નાખીને સવારમાં પીવાથી કમળો મટી જાય છે. ધાવણ સુધારવા માટે ગળાનું સેવન કરવું. જ્યારે સુશ્રુત ઋષિએ સુશ્રુત સંહિતામાં આ પ્રમાણે કહ્યું છે કે વાતજવરે શ્રુતશીતકષાયં વા ગડુચ્યા: પેયમેવ તુ || અર્શ:સુ એશ એવ ગુડુચીષુ તત્રકલ્પ: || અર્થાત વાતજવરમાં ગળોનો ક્વાથ પીવો. હરસમાં ગળોનો રસ અથવા ચૂર્ણ ખાવું અને ઉપરથી છાસ પીવી. જ્યારે વાગભટ્ટે મેહે મધુયુતં ગુડુચ્યા: વા રસમ || અર્થાત દરેક પ્રકારના પ્રમેહ ઉપર (ડાયાબિટીસ) ગળોનો રસ મધ સાથે લેવો તેમ જણાવ્યું. ત્યારબાદ ભાવપ્રકાશ સંહિતામાં જીર્ણજ્વરે ગુડુચી પિપ્પલીમધુસંયુક્ત: ક્વાથ: છિન્નોદ્વવોદ્વવ: | જીર્ણજ્વર કફધ્વંસો || અર્થાત જીર્ણજ્વર (તાવ)માં ગળો સાથે લીંડીપીપર અને મધ પીવું. આનાથી જીર્ણજ્વર, કફ વગેરે મટી જશે. શોઢલ, ચક્રદંત, બંગસેન વગેરે આયુર્વેદના ગ્રંથમાં ગળોની ઉપયોગીતા વિશે દર્શાવ્યું છે. ગિલોયની ઉત્પતિ સંબધી પૌરાણિક કથા એવી છે કે રામ-રાવણ યુદ્ધમાં રાવણનો વધ કર્યા પછી અસુરોના હાથથી જે વાનરોની સેના મરાયેલી હતી, તેને ઇન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરી સજીવન કરી. તે વખતે અમૃતના બિંદુ તે વાનરોના શરીર ઉપરથી ઉડીને જે જે જગ્યાએ પડ્યા, તે તે જગ્યાએ આ વેલ ઉતપન્ન થઈ, આથી આનું નામ 'અમૃતા' એવું નામ પડ્યું છે. અજીર્ણાતિસારમાં અને વારંવારના તાવથી આવેલી નબળાઈમાં ગળો શક્તિ માટે વપરાય છે. મૂત્રલ અને સ્નિગ્ધ હોવાથી મૂત્રકૃચ્છમાં અને ટીપે ટીપે આવતા પેશાબમાં પણ ગળો હિતકારી છે. કોઈપણ પ્રકારના તાવમાં પિતની વૃદ્ધિ અને જઠરાગ્નિની મંદતા જરૂરથી હોય છે. ગિલોય કડવી હોવાથી પરમ પિત્તશામક છે. તે અગ્નિ પ્રદીપ્ત પણ કરે છે એટલે ગમેતે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થુ ઔષધ છે. જ્યારે કોઈપણ કારણોથી તાવ આવ્યો હોય તેમાં લિલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં તુલસીનો રસ એક ચમચી મિક્ષ કરીને સવારે-સાંજે લેવું. અને જો તાવ ન હોય અને સ્વસ્થ વ્યક્તિ પણ તેનું સેવન કરે તો તાવ આવવા દેતો નથી. ગિલોય વારંવાર આવતા તાવને દૂર કરી શકે છે. આયુર્વેદ નિષ્ણાંતોના કહેવા મુજબ, ડેન્ગ્યુ, મેલેરિયા અને ફ્લૂ જેવા તાવના રોગોમાં પણ તેનો ઉપયોગ થાય છે. ગિલોયનો ઘીની સાથે સેવન કરવાથી વાયુનો, ગોળની સાથે સેવન કરવાથી મળબંધનો, સાકર સાથે લેવાથી પિતનો, મધ સાથે લેવાથી કફનો, એરંડ તેલ સાથે લેવાથી વાયુનો અને સૂંઠ સાથે લેવાથી આમવાયુનો નાશ કરે છે તેથી તે ત્રીદોષનું સમન કરનાર છે. અત્યારે ચાલી રહેલા કોરોનાકાળમાં અનેક લોકો વાઇરસના સંક્રમણમાં પીડાતા હોય છે. કોઈ પણ વાઇરસના સંક્રમણથી બચવા માટે ગિલોય ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે. અમૃત જેવા ગુણો ધરાવતી આ અમૃતા વેલીને આપણે તો ગળોના નામે જ ઓળખીએ છીએ. કડવા લીમડાના વૃક્ષ પર વિકસેલી ગિલોય ગુણમાં ઉત્તમ ગણાય છે. ગિલોય રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સાથે સાથે તાવમાં પણ રક્ષણ કરે છે. માટે આપણે સૌએ આપણી ઇમ્યુનિટી વધારવા માટે તથા તાવથી કે કોઈપણ સંક્રમિત રોગોથી બચવા માટે ગિલોયનું સેવન કરવું. અગાઉના આર્ટિકલમાં ગિલોયનો ઉકાળો કેવીરીતે બનાવવો તે આપણે જોયું તે ઉકાળો યોગ્ય વૈદ્યની સલાહ મુજબ લેવું.