સોનાના વાયદાના ભાવમાં રૂ.૩૩૭ અને ચાંદીમાં રૂ.૧,૦૩૯નો ઉછાળો : બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.૩૦૪ વધ્યા : કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સુધારો: રૂ (કોટન) અને રબરમાં નરમાઈનો માહોલ મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૯થી ૧૫ એપ્રિલના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા અને ઈન્ડેક્સ વાયદામાં ૧૯,૦૯,૮૫૯ સોદાઓમાં કુલ રૂ.૧,૧૨,૬૫૫.૪૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સપ્તાહ દરમિયાન તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૩૭ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૧,૦૩૯ ઊછળ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. નિકલ અને જસત ઢીલાં હતાં, જ્યારે તાંબુ, એલ્યુમિનિયમ અને સીસું સુધર્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને તેજ બંધ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સુધારા સામે રૂ (કોટન) અને રબરમાં નરમાઈનો માહોલ હતો. વિશ્વબજારની વાત કરીએ તો, ફેડ ચેરમેન જેરોમ પોવલે ટૂંકાગાળામાં ઈન્ટરેસ્ટ રેટ વધારવાનો ઈન્કાર કરતાં સપ્તાહના અંતે અમેરિકામાં બોન્ડ-ટ્રેઝરી યિલ્ડ-વળતર ઘટીને ત્રણ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું હતું. આ સાથે અમેરિકા બાદ જર્મની-ફ્રાન્સ અને ઈટલીમાં ઈન્ફ્લેશન વધતાં તથા ડોલર ઈન્ડેક્સ પણ નીચો ઉતરતાં વિશ્વબજારમાં સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર હતા. સોનું ૧ ઔંશદીઠ ઊંચામાં ૧૭૬૯ સુધી જઈ સપ્તાહના અંતે ૧ ટકાથી વધુ વધીને ૧૭૬૪ ડોલર બોલાતું હતું, જ્યારે ઈકોનોમિક રિકવરીનાં પગલે એક્ટિવિટી વધવાની ધારણાએ બિનલોહ ધાતુઓમાં તેજી થવાથી ચાંદીના ભાવને ટેકો મળતાં વિશ્વબજારમાં ચાંદી વધીને ૧ ઔંશદીઠ ૨૫.૯૦ ડોલરના સ્તરે બોલાઈ હોવાના સમાચાર હતા. સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર વધારતાં ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડ્યૂટી વધી હતી. વિશ્વબજાર ઉંચકાતાં સપ્તાહના અંતે ઘરઆંગણે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાનો ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૪૮,૩૦૦ અને ૯૯.૯૦ના રૂ.૪૮,૫૦૦ બોલાતા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર બજારમાં ચાંદીનો ભાવ વધીને કિલોદીઠ રૂ.૬૯,૫૦૦ બોલાઈ રહ્યા હોવાના સમાચાર હતા. આ લખાય છે ત્યારે વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ૯૧.૫૦ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે અમેરિકામાં બોન્ડ-ટ્રેઝરી યિલ્ડ ૧.૫૭ ટકાના સ્તરે હતું. યુએસ ડોલર રૂ.૭૪.૩૮, પાઉન્ડ રૂ.૧૦૨.૬૩ અને યુરો રૂ.૮૯.૧૯ના સ્તરે બોલાઈ રહ્યા હતા. હવે ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કીમતી ધાતુઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૭૬૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૭,૨૭૯ અને નીચામાં રૂ.૪૬,૩૧૪ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૩૩૭ના ઉછાળા સાથે રૂ.૪૭,૧૭૫ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ગોલ્ડ-ગિનીનો એપ્રિલ વાયદો રૂ.૩૭,૩૭૫ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૫૨ વધીને રૂ.૩૭,૬૧૦ અને ગોલ્ડ-પેટલનો એપ્રિલ વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૨૯ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૬ વધીને રૂ.૪,૬૬૨ થયો હતો. સોનાનો મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૪૫૮ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૦૫ વધી રૂ.૪૬,૮૮૧ બોલાયો હતો. ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૭,૧૮૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૮,૭૮૫ અને નીચામાં રૂ.૬૫,૯૬૧ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૦૩૯ના ઉછાળા સાથે રૂ.૬૮,૫૪૦ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.૧,૦૧૭ અને ચાંદી-માઈક્રો એપ્રિલ વાયદો રૂ.૧૦૧૨ ઘટીને બંધ થયાં હતાં. સપ્તાહના પ્રારંભે કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૬૧૭ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૪,૮૦૮ અને નીચામાં ૧૪,૪૫૦ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૩૫૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૩૪ પોઈન્ટ વધીને ૧૪,૭૭૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો સપ્તાહ દરમિયાન ૫૦૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૫૯ પોઈન્ટ વધીને ૧૪,૫૯૦ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૪૫૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૭૭૨ અને નીચામાં રૂ.૪,૪૦૩ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૦૪ના ઉછાળા સાથે બંધમાં રૂ.૪,૭૪૨ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસનો એપ્રિલ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૨.૯૦ વધી બંધમાં રૂ.૧૯૯.૫૦ના ભાવ થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૩૨૪ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧,૩૭૧ અને નીચામાં રૂ.૧,૨૯૧ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૫ વધી રૂ.૧,૩૩૩.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૧,૯૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૨,૦૪૦ અને નીચામાં રૂ.૨૧,૨૦૦ને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૧૬૦ના ભાવઘટાડા સાથે રૂ.૨૧,૭૮૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો એપ્રિલ વાયદો સપ્તાહના અંતે ૧૦ કિલોદીઠ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૧,૧૫૮.૨૦ અને મેન્થા તેલનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૫.૩૦ વધી રૂ.૯૬૦.૬૦ના સ્તરે બંધ થયાં હતાં, જ્યારે રબરનો એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૭૫૦ના સ્તરે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૭૫૦ અને નીચામાં રૂ.૧૬,૩૬૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૨૮૮ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૧૬,૫૩૭ના ભાવ થયા હતા.