મોરબી: જ્યાં જુવો ત્યાં કોરોના અને તેને લગતા સમાચારો અને માહિતીના વરસતા ધોધ વચ્ચે લોકોની માનસિક હાલત બગડી રહી છે. મનને શાતા વળે એવી જૂજ તસ્વીરો સામે આવે છે તેવા સમયે મોરબીમાં એક સકારાત્મક તસ્વીર સામે આવતા લોકોના મનમાં થોડી આધ્યાત્મિક ઠંડક પ્રસરી છે. મોરબીના જોધપર (નદી)માં આવેલા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયું જે અત્યારે 300 દર્દીઓની સેવા સૃષૂતા કરી રહ્યું છે. ગઈકાલે સાંજે આ સેન્ટરમાં વિશિષ્ટ સંધ્યા આરતી કરવામાં આવી હતી. જેમાં કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા તમામ દર્દીઓએ બાલ્કનીમાં દૂર દૂર ઉભા રહી કે બેસીને સુર પુરાવતા તમામે આધ્યાત્મિક શક્તિનો અનુભવ કર્યો હતો. લાઉડ સ્પીકર પર કોવિડ કેર સેન્ટરની મહિલા મેડિકલ ટીમે સંગીતના રેકોર્ડ સુર સાથે આરતી ગાઈ હતી. માનસિક તણાવ ઓછો કરવા માટે અધ્યાત્મ અને સંગીતની સુરાવલીઓથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.