મોરબી : મોરબીનાં રોહિદાસપરા વિસ્તારમાં ગઈકાલે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 130મી જન્મજયંતિ પ્રસંગે ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા દેશને બંધારણ સુપ્રત કરવાનાં સમયની ઐતિહાસિક પળને કંડારતી પૂરા કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ડૉ. આંબેડકર વિકાસ સમિતિ ટીમની ત્રણ મહિનાની મહેનતથી આશરે ત્રણેક લાખનાં ખર્ચે ભવ્ય પ્રતિમા સ્થાપિત કરીને ગઈકાલે સમાજને અર્પણ કરવામાં આવી હતી. તેમજ આ તકે દશામાં ચોકનું નામ બદલીને ડૉ.આંબેડકર ચોક રાખવામાં આવ્યું હતું. ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કબીર આશ્રમનાં મહંત કરશનદાસ બાપુનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સામાજીક આગેવાનો નાગજીભાઈ ચૌહાણ, મહેશભાઈ લાધવા, જયંતિભાઈ સારેસા, મૂકેશભાઈ પરમાર, ગૌતમભાઈ સારેસા, દિપકભાઈ મકવાણા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. ડો. આંબેડકર વિકાસ સમિતિનાં જયેશભાઈ સારેસા, જગદિશભાઈ ચાવડા, ભરતભાઈ બોસિયા, પ્રવિણભાઈ ચાવડા, રમેશભાઈ ચૌહાણ, દિનેશભાઈ ચાવડા, રમેશભાઈ સારેસાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.