સીરામીક ઉદ્યોગમાં કામ કરતા કોઈપણ વ્યક્તિ તથા ગામડાના લોકો લાભ લઇ શકશે મોરબી : મોરબીમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિને કારણે તમામ હોસ્પિટલોમા એકેય બેડ ખાલી ન હોવાથી દર્દીઓની નાજુક હાલત સર્જાઈ છે. આવા કપરા સંજોગોમાં મોરબીના જાણીતા સીરામીક સિમ્પોલો ગ્રુપે તમામ સમાજના દર્દીઓને મદદરૂપ થવા આગળ આવી સામાજિક ઉત્તરદાયિત્વની ફરજ અદા કરવા સર્વ સમાજ માટે આવતીકાલે તા.15 એપ્રિલથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. મોરબીમાં સીરામીક ક્ષેત્રે જાણીતા સિમ્પોલો ગ્રૂપ દ્વારા કોરોનાની આપતીના સમયે જ્ઞાતિના બંધનથી ઉપર ઉઠીને તમામ સમાજના જરૂરિયાતમંદ દર્દીઓની યોગ્ય સારવાર આપવા માટે આવતીકાલે તા. 15 એપ્રિલથી મોરબી-કંડલા હાઇવે ભરતનગર પાસે ભરતવન ફાર્મ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન સંચાલિત વિનામૂલ્યે સિમ્પોલો કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં સીરામીક ઉદ્યોગમાં કામ કરતા લોકો તેમજ ગામડાના જરૂરિયાતમંદો લાભ લઇ શકશે. આ કોવિડ સેન્ટરમાં 24 કલાક ડોકટર, સ્વીપર તથા નર્સ સહિતનો સ્ટાફ દર્દીઓની સેવા માટે ખડેપગે રહેશે. સવારે 9 થી 1 અને સાંજે 4 થી 6 દર્દીઓ ચકાસણી માટે આવી શકે છે. કોવિડ સેન્ટરમાં આવનાર દર્દીઓએ આધાર કાર્ડ, દર્દી મુકવા આવનારનું આધારકાર્ડ, દર્દીનો પોઝિટિવ અથવા સીટી સ્કેન રિપોર્ટ, અગાઉ ડોકટરને બતાવેલ હોય તેના કાગળો, દવાઓ તેમજ જરૂરી કપડાં સાથે લઈ જવાનું રહેશે. જરૂરી દવાઓ અને પૌષ્ટિક આહારની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ છે અને આ કોવિડ સેન્ટરમાં કોઈપણ સમાજના જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લઇ શકશે. વધુ વિગત માટે હેલ્પલાઇન નબર-72289 22222 ઉપર સંપર્ક કરી શકાશે.