હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામે ગ્રામ પંચાયત દ્વારા આજથી ગામમાં અડધા દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. ગ્રામ પંચાયત દ્વારા બપોરે 2 વાગ્યા બાદ મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ નિર્ણયમાં તમામ ગ્રામજનો સાથ સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ટીકર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન વિજયભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે કોરોનાના વધતા જતાં કેસને લઈ ગામલોકો નિરોગી અને સુરક્ષિત રહી શકે તે માટે આજથી અમારા ગામમાં અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન નક્કી કરવામાં આવ્યું છે. જેથી ગામમાં દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ રહેશે. માત્ર મેડિકલની દુકાન જ દિવસ દરમિયાન ખુલ્લી રહેશે. તેમજ લોકોને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવા અને ૪૫ વર્ષથી ઉપરના વ્યક્તિઓને ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્શિન લઈ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.