વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો કારના ડ્રાઇવર સામે ગુનો નોંધાયો વાંકાનેર : વાંકાનેરના અમરસર ફાટકથી આગળ અને ગંજપીરની દરગાહ સામેના ભાગે રાજકોટ રોડ ઉપર વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો કાર છકડો રીક્ષા સાથે અથડાતા છકડો રીક્ષાચાલકને ગંભીર ઇજા પહોંચતા તેમને રાજકોટ સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો કારના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ફીરોઝભાઈ ઈબ્રાહીમભાઈ બ્લોચ (ઉ.વ.૪૬ ધંધો વેપાર રહે વાંકાનેર ૨૫ વારીયા રાજકોટ રોડ) એ આરોપી વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો નં જી.જે.૧૮ જી.૯૦૩૦ ના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨ ના રોજ વાંકાનેરના અમરસર ફાટકથી આગળ અને ગંજપીરની દરગાહ સામેના ભાગે રાજકોટ રોડ પર એક બોલેરોવાળાએ વલીમામદ ઈબ્રાહીમભાઈ બ્લોચની રીક્ષાને ઓવરટેક કરીને બોલેરો પસાર થઈ ગયેલ પરંતુ અચાનક આરોપીની વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો નં જી.જે.૧૮ જી.૯૦૩૦ પુરઝડપે અને બેફકરાઈથી ચલાવી પસાર થતા સાહેદ વલીમામદની છકડો રીક્ષાનં જી.જે.૨૭ વાય.૯૬૬૦ ની સાથે સાઈડમાથી ભટકાતા વલીમામદને આ અકસ્માતમા માથામા હેમરેજ તેમજ પગમા તેમજ દાઢીના ભાગે તેમજ ડાબા હાથમાં ફેક્ચર થવાથી તેને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.