મહિલા સહિત બે આરોપીઓ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં લીલાપર રોડ પર ન્યુ મનહર કારખાનાની ઓરડી બહાર 'તુ અમારા ધંધા પર જઈને કેમ બોલાચાલી કરે છે' કહી માતા-પુત્ર પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી એ ડિવિઝન પોલીસે મહિલા સહિત બે આરોપીઓ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિજયભાઈ માવજીભાઈ વેગડા (ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે હાલ ન્યુ મનહર કારખાનાની ઓરડીમા લીલાપર રોડ મોરબી મુળ રહે સાતુદળ વાવડી તા જામકંડોરણા) એ આરોપી સુનીલ વાઘાણી (રહે ઈન્ડીયા કારખાનાની ઓરડીમા નીલકમલ સોસાયટી સામે લીલાપર રોડ મોરબી) તથા કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા (વિલ્સન કારખાનાની સામે લીલાપર રોડ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૧ ના રોજ આરોપીઓએ ફરયાદીને કહેલ કે તુ અમારા ધંધા પર જઈને કેમ બોલાચાલી કરે છે તેમ કહીને ફરિયાદીને ઘરની બહાર બોલાવી ઢીકાપાટુ વડે મુઢ માર મારીને જાતી પ્રત્યે અપમાનીત કરી સાહેદ રમાબેન માવજીભાઈ વેગડાને આરોપીઓએ લાકડી વડે ડાબા હાથમા તથા શરીરે માર માર્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.