રાજાશાહી વખતની બિલ્ડીંગ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી સદનસીબે જાનહાની ટળી મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ એલ.ઇ. કોલેજની જૂની અને જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડીંગમાં આજે અચાનક ભીષણ આંગ ફાટી નીકળી હતી. જો કે, રાજાશાહી વખતની આ બિલ્ડીંગ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી. આગની ઘટનાની મોરબી ફાયર બ્રિગેડ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ (એલ.ઇ.કોલેજ) ની જૂની રાજાશાહી વખતની બિલ્ડીંગના બીજા માળે આજે સાંજના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચાલવી ત્રણ ફાયર ફાઇટરની મદદથી બે કલાકના અંતે આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. રાજાશાહી વખતની આ જૂની બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. તેમજ હાલ લોકડાઉન જેવી સ્થિતિ હોય વિદ્યાર્થીઓ ભણતા ન હોવાથી અને બિલ્ડીંગ બંધ હાલતમાં હોવાના કારણે આજે આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી.