પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી મોરબી : મોરબીમાં કોરોના સંક્રમિત વ્યક્તિ 14 દિવસના ક્વોરન્ટાઇનમાં રહેવાને બદલે રાત્રી કફર્યુ દરમિયાન જાહેરમાં લટાર મારતો દેખાતા પોલીસે તેને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે સરકારના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી બી ડીવીજનના પોલીસ સબ ઇન્સ.એલ.એન.વાઢીયાએ ખુદ ફરિયાદી બનીને ભાવિકભાઇ વેલજીભાઇ રગીયા (ઉ.વ.૨૧ ધંધો વેપાર રહે.વર્ધમાનનગર બ્લોક નંબર ૧૨ સામાકાંઠે મોરબી-૦૨) સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કોરોના સંક્રમિત હોય અને સરકારના ૧૪ દિવસ સુધી કવોરેન્ટિન રહેવાના જાહેરનામા ભંગ કરેલ હતો. આરોપી પોતે કોરોના પોઝિટિવ હોવાનું જાણતા હોવા છતા કવોરેન્ટિનમાં નહી રહી ગતરાત્રે રાત્રી કરફ્યુ દરમિયાન જાહેરમાં ત્રાજપર ચોકડી નજીક એસ્સાર પંપ પાસે રોડ પર લટાર મારવા નીકળ્યો હતો. આથી, આરોપી ચેપનો ફેલાવો કરતા તેમજ રાત્રી કર્ફયુનો ભંગ કરી મળી આવતા પોલીસે આ અંગે આરોપી સામે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.