મહેન્દ્રનગર સહિતના સ્થળે પણ ટેસ્ટિંગ કાર્યવાહી જોરશોરથી ચાલુ મોરબી : મોરબી સરેરાશ દર એકસો વ્યક્તિમાંથી 25થી 30 લોકો કોરોનાની ઝપટે ચડી ગયા હોવાનું જિલ્લા ભાજપ કાર્યાલયે હાથ ધરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગના આંકડા ઉપરથી સ્પષ્ટ બની રહ્યું છે આજે સતત બીજા દિવસે બપોર સુધીમાં 500 લોકોના ટેસ્ટ કરવામાં આવતા 128 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાકેશ કાવર, હસુભાઈ પંડ્યા અને અનિલ મહેતા સહિતના આગેવાનો દ્વારા નવા બસસ્ટેન્ડ સામે મધ્યથ કાર્યાલય ખાતે નિઃશુલ્ક કોરોના ટેસ્ટ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે પણ 1200 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવતા 218 લોકો પોઝિટિવ આવ્યા હતા. દરમિયાન આજે સવારથી પણ કોરોના ટેસ્ટનો સેવાયજ્ઞ ચાલુ રખાયો છે જેમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 500 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવતા 128 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે અને હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા જોવાઇ રહી છે અને ભાજપ કાર્યાલયે થતા ટેસ્ટિંગના આંકડા જોતા મોરબીમાં દર 100 લોકોએ 25થી 30 લોકો કોરોના સંક્રમિત હોવાનું સ્પષ્ટ બન્યું છે. ઉલ્લેખનીય છે કે આજથી ભાજપ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકો માટે મહેન્દ્રનગર ખાતે પણ વિનામૂલ્યે કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે અને ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં ટેસ્ટિંગ માટે આવ્યા હોવાનું જાણવા મળે છે.