ટંકારા : વકરતી કોરોના મહામારી વચ્ચે મોરબી જિલ્લાની આરોગ્ય વ્યવસ્થા ખોરંભે ચડી છે. અપૂરતી કોવિડ ટેસ્ટિંગ કીટ, અપૂરતા ઓક્સિજન સિલિન્ડર, અપૂરતા વેકસિનની ગેરવ્યવસ્થા વચ્ચે હવે મેડિકલ સ્ટાફની અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે આવેલા પી.એ.સી. સેન્ટર ખાતે ડૉકટરો સહિત કુલ 8 કર્મચારીઓના સ્ટાફમાંથી માત્ર 2 મેડિકલકર્મીઓ જ હાજર હોવાની ચોંકાવનારી હકીકત ઉજાગર થઈ છે. મોરબીના સામાજિક કાર્યકર મનોજ કાલરીયા અને તાલુકા પંચાયતના સદસ્ય વિપુલ કુંડરિયાએ ગઈકાલે ગુરુવારે ઉપરોક્ત આરોગ્ય સેન્ટરની મુલાકાત લેતા સ્ટાફની અછત સામે આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ 8ના સ્ટાફમાંથી 6 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાથી રજા પર છે. આસપાસના કુલ 11 ગામો વચ્ચે આ સેન્ટરમાં રોજની માત્ર 20 ટેસ્ટિંગ કીટ ફાળવવામાં આવતી હોવાથી સ્થિતિ વધુ વિકટ બની છે. નસિતપર ગામમાંથી આશરે 200થી વધુ ગ્રામજનો મોરબી-રાજકોટની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા હોવાનું જણાવતા વિપુલભાઈ કુંડરિયાએ જણાવ્યું હતું. નેસડા (ખા) ગામના આગેવાન છગનભાઇ મોહનભાઇ ભાડજા સાથે ઉપરોક્ત આરોગ્ય સેન્ટરની મુલાકાત દરમ્યાન તંત્રની લાપરવાહી સામે આવી હતી. આરોગ્ય સેન્ટર બહાર લોકની ભીડ કથળેલી આરોગ્ય સેવાની ચાડી ખાઈ રહી હતી. તેમ જણાવતા સ્થાનિક આગેવાનોએ તંત્રને અપીલ કરી છે કે સત્વરે આ વિસ્તારના ગામોને પર્યાપ્ત આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવે. નસિતપર તાલુકા પંચાયતના સદસ્ય વિપુલભાઈ કુંડરિયાએ વસવસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરને સ્થિતિથી અવગત કરાવવા માટે ફોન કરવા છતાં ફોન ઉપાડ્યો ન હતો. દિન-બદીન મોરબીના ગ્રામીણ વિસ્તારોની હાલત અત્યંત દયાજનક બનતી જતી હોવાનું ચિત્ર હવે સ્પષ્ટ બની રહ્યું છે.