એક શખ્સે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મછીપીઠ વિસ્તારમાં ગતરાત્રે કાકા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને ભત્રીજા ઉપર એક શખ્સે છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગેએક શખ્સે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે આ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળ આવેલ રણછોડ નગર પાસે રહેતા શહેઝાદભાઈ અનવરભાઈ બુખારી (ઉ.વ.30) નામના યુવાને આરોપી ઇમરાન ઉર્ફે ચકલી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરિયાદી મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ મછીપીઠ વિસ્તારમાં હતા તે સમયે આરોપીએ ફરિયાદીના કાકા સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીએ વધુ ઉશ્કેરાયને ફરિયાદી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ બનાવ અંગે તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.