મોરબીની સરકારી સહિત એક પણ હોસ્પિટલમાં ઓક્સિજનના બેડ ખાલી નથી : મોરબીનું નઘરોળ આરોગ્ય તંત્ર હજુ પણ ઘોરનિંદ્રામાં : સાંસદ, ધારાસભ્ય કલેકટર પણ મૌન : પ્રજાનો મરો મોરબી : મોરબીમાં કોરોના હવે ખૂંખાર બન્યો છે અને આજે તો મોરબીની 100 બેડની સિવિલ હોસ્પિટલના તમામ બેડ કોરોનાના દર્દીઓથી ભરચક્ક થઈ છે અને ખાનગી હોસ્પિટલમાં પણ હાઉસફુલની સ્થિતિ થઈ જતા હવે કોઈ દર્દી કોરોના પોઝિટિવ હોય અને એને ઓક્સિજનની જરૂર હોય તો ભગવાન ભરોસા સિવાય કોઈ ઉપાય નથી, આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં નઘરોળ આરોગ્ય અધિકારી આંકડા છૂપાવવા મથામણ કરી રહ્યા છે અને સાંસદ, ધારાસભ્ય અને ખુદ જિલ્લા કલેકટર મૌન ધારણ કરીને બેસી જતા મોરબીની પ્રજા જાયે તો જાયે કહા જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. મોરબીમાં કોરોના બૉમ્બ ફૂટતા છેલ્લા ચારેક દિવસથી ઘરે - ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે અને મોરબી સિવિલ હોસ્પિટલનો 100 બેડનો કોવિડ વિભાગ પણ આજે ટૂંકો પડતા તમામ ખાટલા પેક થઈ ગયા છે, બીજી તરફ મોરબીની તમામ ખાનગી હોસ્પિટલમાં પણ છેલ્લા બે દિવસથી તમામ બેડ ભરાયેલ હોવાથી હવે નવા કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે ક્યાં જવું તે પ્રશ્ન સર્જાયો છે. તેમાં પણ જે દર્દીને ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જિલ્લા કલેકટરે પત્રકાર પરિષદ યોજી કોરોના પેશન્ટ માટે 500 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાનો વાયદો આજે ખોખલો સાબિત થયો છે કારણ કે ઘુંટુ સ્થિત કોવિડ કેર સેન્ટરમાં પણ ઓક્સિજન સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય કોરોનાના ગંભીર દર્દીઓને હવે અન્ય શહેરમાં દોડી જવું પડે તેવી નોબત આવી છે, જો કે રાજકોટમાં પણ ગંભીર સ્થિતિ હોય દર્દીઓને ખાનગી કે સરકારી દવાખાનામાં સારવાર માટે અત્યંત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે મોરબીના સાંસદ કોરોનાની આ ગંભીર સ્થિતિ હોવા છતાં પ્રજાજનોને રાહત કે સાંત્વના મળે તેવી વ્યવસ્થા કરવી તો દૂરની વાત છે પ્રજાજોગ એક નિવેદન પણ હજુ કરી શક્યા નથી, બીજી તરફ નક્કર કહી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં ધારાસભ્ય અને કલેકટર પણ પાછા પડી રહ્યા છે અને લબાડ જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી યોગ્ય કામગીરી કરાવવામાં સફળ રહ્યા નથી અન્યથા લોકોને કોરોના ટેસ્ટ અને કોરોનાની સાચી માહિતી સમયસર આપવામાં આવી હોત તો આજે આ નોબત ન આવી હોય. બીજી તરફ હાલમાં સરકાર દ્વારા નવો નિયમ અમલી બનાવી કોરોનાનો rt pcr પોઝિટિવ રિપોર્ટ હોય તેવા દર્દીઓને જ સંજીવની સમાન રેમડીસીવીર ઇન્જેક્શન આપવાનો શિરસ્તો અપનાવતા અનેક એવા દર્દી પરેશાન થઈ રહ્યા છે કે જેમનો રિપોર્ટ હજુ આવવો બાકી છે પરંતુ તેમની હાલત નાજુક છે, આ સંજોગો રાજ્ય સરકાર સત્વરે આ નિયમ માં બદલાવ લાવે તે જરૂરી હોવાનું ખુદ તબીબી વર્તુળો જણાવી રહ્યા છે. આમ, મોરબી જિલ્લામાં હાલ તો જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા છૂપાવવાના ખેલમાં કોરોના વિસ્ફોટ થતા સમગ્ર આરોગ્ય તંત્ર, સિવિલ હોસ્પિટલ તંત્ર, કલેકટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ છેલ્લા પંદર દિવસમાં ગંભીર બનેલી પરિસ્થિતિને હળવાશથી લેતા આજે કોરોના યમરાજ બનીને અટ્ટહાસ્ય કરી રહ્યો છે અને આ પરિસ્થિતિ માટે જીતના જશન મનાવવા ભીડ ભેગી કરનાર નબળી નેતાગિરી પણ એટલી જ જવાબદાર હોવાનું આજે સ્પષ્ટ બન્યું છે