જોધપર (નદી) પાસે પટેલ બોર્ડિંગમાં શરૂ થશે કોવીડ પોઝિટિવ દર્દીઓની સારવાર: જિલ્લા કલેકટરે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ વિગતો કરી જાહેર મોરબી: જિલ્લા-શહેરમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે તંત્ર ઊંધા માથે થયું છે. વિવિધ વેપારી સંગઠનો અને ગ્રામપંચાયતો પણ કોરોના સામેની આ લડાઈમાં પોતપોતાની રીતે નિર્ણાયક ભૂમિકા ભજવવા આગળ આવ્યા છે ત્યારે મોરબી પાટીદાર સમાજ દ્વારા મોરબીમાં કોવીડ હેલ્થ કેર સેન્ટર પુનઃ શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે. ગત વર્ષે એપ્રિલ મહિના બાદ શરૂ થયેલી કોરોનાની પ્રથમ લહેર બાદ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જોધપર (નદી) નજીક આવેલી પાટીદાર સમાજની બોર્ડિંગ ખાતે કોવીડ હેલ્થ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જ્યાં સમાજના લોકોને કોરોનાની સારવાર ઉપલબદ્ધ બનાવાઈ હતી. હવે જયારે કોરોનાની બીજી અને વધુ ખતરનાક લહેર શરૂ થઈ છે ત્યારે પાટીદાર સમાજ દ્વારા તમામ લોકો માટે જિલ્લા કલેકટર પાસે 300 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જો આગળ જતા વધુ બેડની આવશ્યકતા ઉભી થશે તો એ માટે પણ સમાજની તૈયારી હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત હોસ્પિટલ શરૂ કરવા માટે આજે શનિવારે મંજૂરી મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. મંજૂરીની પ્રક્રિયા આટોપાઈ ગયા બાદ મંગળવાર કે બુધવારથી કોવીડ હેલ્થ કેર સેન્ટર શરૂ થવાની શક્યતા દર્શાવાઈ રહી છે. આજે શનિવારે સાંજે જિલ્લા કલેકટર દ્વારા સંબોધિત કરવામાં આવેલી પ્રેસ કોન્ફ્રાન્સમાં ઉક્ત સ્થળે હોસ્પિટલ શરૂ કરવાની વાતને અનુમોદન આપવામાં આવ્યું હતું. ઉપરોક્ત પ્રોજેક્ટની ચર્ચા વિચારણા કરી તેને મૂર્તિમંત કરવાની બેઠકમાં સંસ્થાના પ્રમુખ ડી.કે.પટેલ, ઉપપ્રમુખ જેન્તીભાઇ જે પટેલ, ડી.કે.ઝાલરિયા (સીરામીક એસો.), ગંગારામભાઈ ધમાસણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.