અજાણ્યો વાહન ચાલક સગીરાને હડફેટે લઈને ફરાર, મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ મોરબી : મોરબીના લાલપર ગામ નજીક રણુજા ટાઇલ્સ એન્ડ સીરામીકના સામેના ભાગે વાંકાનેરથી મોરબી આવતા નેશનલ હાઇવે રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં સગીરાનું મોત નીપજ્યું હતું. જેમાં અજાણ્યો વાહન ચાલક સગીરાને હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કૈલાશભાઇ જામીયાભાઇ વાસ્કેલ (ઉ.વ.૪૦, ધંધો-મજુરી, રહે. હાલ લાલપર ગામ નજીક, રણુજા ટાઇલ્સ એન્ડ સીરામીકની મજુર ઓરડી શ્રીજી ગોલ્ડ સીરામીક સામે, મોરબી મુળ ગામ-રીંગણોદ પોસ્ટ સરદારપુર થાના, રાજગઢ તા.સરદારપુર જી.ધાર મધ્યપ્રદેશ) એ કોઇ અજાણ્યો વાહન ચાલક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧ ના રોજ સવારના કલાક 7.15 પહેલા લાલપર ગામ નજીક રણુજા ટાઇલ્સ એન્ડ સીરામીકના સામેના ભાગે વાંકાનેરથી મોરબી આવતા નેશનલ હાઇવે રોડ ઉપર આરોપી અજાણ્યા વાહન ચાલકએ પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાય રીતે ચલાવી ફરીયાદીની દીકરી પુજા કૈલાશભાઇ (ઉ.વ.૧૬) ને હડફેટે લઇ એક્સીડન્ટ કરી માથામા તથા પગમા ગંભીર ઇજા થતા સ્થળ પર તેણીનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત કરીને આરોપી તેનુ વાહન લઇ સ્થળ નાશી છૂટ્યો હતો. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.