સિવિલ હોસ્પિટલના 100 બેડના કોવિડ વિભાગમાં 78 દર્દીઓ દાખલ, જેમાંથી 50 દર્દીઓ ઓક્સિજન ઉપર ઘુંટુ કોવિડ સેન્ટરમાં 50 બેડની સુવિધા શરૂ કરાઈ મોરબી : મોરબી જિલ્લામાં કોરોના બેકાબુ બની ગયો છે. ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મોરબી જિલ્લામાં દૈનિક હજાર ઉપર કોરોનાના કેસ નવા વધી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓ સમાતા નથી. આવી સ્થિતિમાં પણ સરકારી તંત્ર સબ સલામત હોવાની આંકડાની માયાજાળ રચીને જિલ્લામાં દૈનિક માત્ર 25 જેટલા કેસો બતાવી રહ્યું છે. પરંતુ તંત્રની આંકડા છુપાવાની રમત મોરબીની કોરોના હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આંકડા જ પોલ ખોલી રહ્યા છે. આજે 2 એપ્રિલ શુક્રવારના રોજ મોરબીની બે ખાનગી કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઈ છે અને 100 બેડની સરકારી કોવિડ હોસ્પિટલમાં પણ માત્ર 20 જેટલા જ ખાલી બેડ બચ્યા છે. જ્યારે બીજી બાજુ મોરબીમાં કોરોના ટેસ્ટની કિટો ઓછી ફાળવાઈ રહી છે. લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. ત્યારે આ સંજોગોમાં હવે મોરબીવાસીઓએ સરકારના ભરોશે રહ્યા વગર તેમજ કોરોના કેસની આંકડાની માયાઝાળમાં પડયા વગર મોરબીમાં સામેનો વ્યક્તિ કોરોના પોઝિટિવ જ છે તેમ માની લોકોએ ખુદ જાગૃત બનવું પડશે. મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં કોરોના ફરી રઘવાયો બન્યો હોય તેવી સ્થિતિમાં પોઝિટિવ કેસમાં પ્રચંડ ઉછાળો આવતા બંધ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર ફરી પાછા શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ઘુંટુ પોલિટેક્નિક કોલેજ ખાતે 50 બેડ ઉપરાંત મોરબી શહેરની ક્રિષ્ના હોસ્પિટલ અને સદભાવના હોસ્પિટલ ખાતે પણ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. મોરબીના કોવિડ હોસ્પિટલોની સ્થિતિ જોઈએ તો સિવિલ હોસ્પિટલ ખાતે 100 બેડના કોવિડ હોસ્પિટલમાં 78 દર્દી દાખલ છે. જેમાના 50 દર્દીઓ ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા છે. એ જ રીતે ઘુંટુ ખાતે 50 બેડના કોવિડ કેર સેન્ટરમાં હાલ એક દર્દી સારવારમાં છે. તો ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં 33 બેડના કોવિડ વિભાગમાં હાલમાં 31 દર્દી સારવારમાં છે તો સદભાવના કોવિડ વિભાગને 21 બેડની મંજૂરી મળી છે. પરંતુ સતાવર 15 બેડની જ મંજૂરી હોય હાલમાં 15 દર્દી દાખલ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મોરબી શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીની નામાંકિત હોસ્પિટલોમાં વ્હેલી સવારથી ઓપીડી શરૂ થઈ જાય છે; જે મોડી રાત સુધી ચાલતી જોવા મળી રહી છે. નામાંકિત હોસ્પિટલો ઉપરાંત જનરલ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરોના ક્લિનિકો પર પણ દર્દીઓનો રાફડો ફાટ્યો હોય તેવા ચિંતાજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલો અને ક્લિનિકો ઉપરાંત મેડિકલ સ્ટોર પર પણ દવા ખરીદવા માટે ખાસી ભીડ જોવા મળી રહી છે જે વ્યાપક રોગચાળો ફેલાયો હોવાની ચાડી ખાય છે. ઘણી હોસ્પિટલોમાં એટલી ભીડ હોય છે કે સવારે નોંધાવેલા કેસનો વારો છેક સાંજે કે મોડી રાત્રે આવે છે. જો કે, હાલમાં મોરબીમાં દવાઓનો પૂરતો જથ્થો હોવાનું અને ઓક્સીઝન પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ કોરોનાના ગંભીર દર્દીઓ માટે જરૂરી રેમડીસીવીર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય કોરોનાના દર્દીઓ માટે રેમડીસીવીરનો પૂરતો સ્ટોક વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી હોવાનું તબીબી આલમ જણાવી રહ્યો છે. તેમજ તંત્ર તાત્કાલિક મોરબી જિલ્લામાં કોરોનાની ટેસ્ટિંગ કીટ ફાળવી મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરી કોરોના અટકવા માટે તમામ જરૂરી પગલાં ભરે તેવી લોક માંગ પ્રબળ બની છે.ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા હાલમાં મોરબીમાં કુલ 213 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીમાં 128, વાંકાનેરમાં 38, હળવદમાં 24, ટંકારામાં 14 અને માળિયામાં 10 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનનો સમાવેશ થાય છે.