મોરબી અપડેટ હાથ ધરેલી તપાસમાં કેપશન સિરામિકનો વિડીયો હોવાની પુષ્ટિ: સતીષ કાનાબારનો ઓડિયો મેસેજ લોકજાગૃતિ માટે ગ્રુપમાં મુક્યો હોવાની સ્પષ્ટતા શ્રમિકોને તાવ, શરદીની બીમારી હોવાથી એમડી ડોક્ટરને બોલાવી ટ્રીટમેન્ટ કરાવી હોવાનું જણાવતા ફેક્ટરી માલિક મોરબી : મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે આજે સવારથી વાયરલ થયેલા એક વીડિયોમાં બિમાર લોકોને જમીન ઉપર સુવડાવી મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોવાનું દર્શાવી કોરોનાની સ્થિતિ ગંભીર હોવાનું ચીતરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટ હાથ ધરેલી તપાસમાં આ વિડીયો કેપશન સીરામીક ફેક્ટરીનો હોવાનું અને બે દિવસ જૂનો વિડીયો હોવાનું બહાર આવ્યું છે અને આ દર્દીઓ પણ કોરોનાના નહીં પરંતુ તાવ, શરદી, ઉધરસ હોય હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી માનવતા ખાતર ફેક્ટરી ખાતે એમડી ડોક્ટરને વિઝીટ કરાવી શ્રમિકોની ટ્રીટમેન્ટ કરવાઈ હોવાનું અને તમામ દર્દીઓ હાલમાં સાજા નરવા હોવાનું ફેક્ટરી માલિક અરુણભાઈ પટેલે મોરબી અપડેટને જણાવ્યું છે. https://www.youtube.com/watch?v=YASuDT8duTA પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં આજે સવારથી જુદા-જુદા ગ્રુપમાં ફરતો થયેલ વિડીયો બપોર સુધીમાં મોરબીના સીમાડા વટાવી રાજકોટ અને ગાંધીનગર સુધી પહોંચી ગયો છે.આ વીડિયોમાં કેટલાક શ્રમિકોને સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે જમીન ઉપર સુવડાવી ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હોવાનું જણાઈ આવે છે. પરંતુ લોકોમાં અનેકવિધ અફવાઓ પેદા થાય તે રીતે આ વીડિયોને વાયરલ કરી મોરબીમાં કોરોના બેકાબુ હોવાનું અને હવે એલોકોને જમીન ઉપર સુવડાવી ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હોવાના ખોટા સંદેશ અને અફવાએ પણ જોર પકડ્યું હતું. બીજીતરફ મોરબી અપડેટ દ્વારા આ વીડિયોના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરતા વાયરલ થયેલ આ વિડીયો બે દિવસ જૂનો હોવાનું અને કેપશન સિરામિક ફેક્ટરીનો હોવાનું જાણવા મળતા ફેક્ટરી માલિક અરુણભાઈ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમની ફેકટરીના કર્મચારીઓ બીમાર જણાતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો પરંતુ હોસ્પિટલમાં દર્દીઓ વધારે હોય હોસ્પિટલના એમડી ડોક્ટરને ફેક્ટરીની વિઝીટ કરાવી સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે તમામ શ્રમિક કર્મચારીની ટ્રીટમેન્ટ કરાવી હતી હાલમાં આ તમામ શ્રમિકો સાજા નર્વ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. જેથી મોરબીની જનતાએ ખોટી અફવામાં દોરાવું નહીં અને આ શ્રમિકો કોરોનાના નહીં સામાન્ય શરદી, તાવ અને ઉધરસના દર્દીઓ હોવાનું તેમને ભાર પૂર્વક જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોરબીના સામાજિક કાર્યકર સતીશ કાનાબારનો એક ઓડિયો મેસેજ પણ વાયરલ થયો હતો જે અંગે સતિષભાઈએ જણાવ્યું હતું કે આ મેસેજ તેમના પોતાના એક ગ્રુપમાં મુક્યો હતો જેમાંથી વાયરલ થયેલ છે હકીકતમાં લોકોમાં જાગૃતિ આવે એ માટે ઓડિયો મેસેજ તેમને વહેતો કર્યો હોવાનું જણાવ્યું હતું. અને સાથે તેઓ જણાવ્યું છે કે કોરોનાથી ખોટું ગભરાવાની જરૂર નથી. લોકોએ કોરોના બાબતે જાગૃત થવાની જરૂર છે.