ટેકાના ચણાના ભાવે ખીરીદીમાં વજનકાંટા અને મજૂરોની સંખ્યા પણ વધારવાની માંગ મોરબી : મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. પણ ટેકાના ભાવે ચણાની ખરીદીની ધીમી પ્રક્રિયા થતી હોય અને ખાસ કરીને બહુ જ ઓછા ખેડૂતોને ખરીદી માટે બોલાવતા ઘણા ખરા ખેડૂતો ચણાની ખરીદીથી વંચિત રહી જાય છે. આથી ટેકાના ભાવે ચણાની ખરીદી સઘન બનાવવા માટે દરરોજ વધુને વધુ ખેડૂતોને બોલાવવાની માંગ સાથે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને રજુઆત કરી છે. રજુઆતમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના કુલ 12,500 ખેડૂતોએ ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 2 હજાર ખેડૂતોને ચણાની ખરીદી માટે બોલાવવામાં આવ્યા છે. તેમાં પણ 50 ટકા ખેડુતોને ચણાનો પાક તૈયાર ન હોવાને કારણે તેઓ ટેકાના ભાવે ચણાની ખરીદીથી વંચિત રહી ગયા છે. આજે માત્ર 30 ખેડૂતોને જ બોલાવમાં આવ્યા હતા ત્યારે આવી રીતે દરરોજ 30-30 ખેડૂતોને બોલવામાં આવે તો ક્યારે નોંધાયેલા બધા ખેડૂતોનો વારો આવે? વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ખેડૂતો ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સવારથી રાત્રીના 11 વાગ્યા સુધી બેસી રહે છે ત્યારે છેક ખેડૂતો માલનો તોલ થઈ શકે છે. આથી વજનકાંટા વધારવા અને મજૂરો વધારવામાં આવે તો જ ટેકાના ભાવે ચણાની જલ્દી ખરીદી થઈ શકે. આથી દરરોજ ખેડૂતોની બોલાવવાની સંખ્યામાં વધારો કરવાની માંગ કરી છે.