ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે 400 જેટલા ખેડૂતો નોંધાયા, પણ હજુ સુધી એકપણ ખેડૂત ઘઉં વેચવા ન આવ્યા હળવદ : હળવદમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ ટેકાના ભાવે ઘઉંની ખરીદીના પ્રારંભે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે હળવદ પંથકના ૪૦૦ જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આજે પ્રથમ દિવસે એકપણ ખેડૂત ઘઉં વેચવા હજુ સુધી ન આવતા ટેકાના ભાવે ઘઉંની ખરીદીમાં કાગડા ઉડ્યા હતા. હળવદના ટીકર રોડ ઉપર આવેલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉન ખાતે સરકારના ધારા ધોરણ મુજબ આજે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. હળવદ પંથકના કુલ ૪૦૦ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગઈકાલે ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે ૫ જેટલા ખેડૂતોને મેસેજ મારફતે જાણ કરવામાં આવી હતી. પરંતુ આજે ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ થયા બાદ પ્રથમ દિવસે એકપણ ખેડૂત હજુ સુધી ઘઉં વેચવા માટે ડોકાયા ન હતા. તેથી ટેકાના ભાવે ઘઉં ખરીદીના પ્રથમ દિવસે જ સ્થળ ઉપર કાગડા ઉડ્યા હતા અને સ્ટાફ પણ નવરોધુપ જોવા મળ્યો હતો. હળવદમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળતી વિગતો મુજબ આ વર્ષે ૧૧૧૨૦ હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. હળવદમાં ૪૦૦ ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આજે પાંચ ખેડૂતોને જાણ કરવા છતાં પણ ખેડૂતો આવ્યા નથી. જેની પાછળનું એક એ પણ કારણ મનાઈ રહ્યું છે કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા, ત્યારબાદ સેન્ટર પર ઘઉં આવ્યા બાદ કોલેટી સારી ન હોય તો રિજેક્ટ થાય તો વળી પાછા લઈ જવા, અને જો પાસ થાય તો દસથી પંદર દિવસે પેમેન્ટ આવે, સાથે જ ગયા વર્ષે હેક્ટર દિઠ ૧૨૦ મણની ખરીદી કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે માત્ર ૭૦ મણ જ લેવામાં આવે છે જેને કારણે ખેડૂતો ખુલ્લા બજારમાં ૩૨૦ થી ૩૪૦ સુધીમાં વેચાણ કરતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.