સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શરૂઆતમાં નિષ્ફ્ળતા મળવા છતાં નાસીપાસ થયા વગર પ્રયત્ન કરતા સફળતા મળી : રવિ સોરીયા મોરબી : મોરબીમાં એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા અને ઘુંટુ ગામે રહેતા મધ્યમવર્ગીય પરિવારના પુત્રે જીપીએસસીની પરીક્ષામાં ઉતીર્ણ થઈ હાલમાં નર્મદા , જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ક્લાસ-2 ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવ્યું છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શરૂઆતમાં નિષ્ફ્ળતા મળવા છતાં નાસીપાસ થયા વગર પ્રયત્ન કરતા સફળતા મળી હોવાનું જણાવી રવિ સોરીયાએ હવે ગુજરાત ઇજનેરી સેવામાં જવા તૈયારી શરૂ કરી છે. મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા અને મોરબી ડેપોમાં બસ કંડકટર તરીકે ફરજ બજાવતા રજનીકાંતભાઈ નરભેરામભાઈ સોરીયાના પુત્ર રવિએ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ મોરબી ખાતે બીઈ સિવિલનો અભ્યાસ પૂર્ણ કરી જીપીએસસીની પરીક્ષા ઉતીર્ણ કરતા હાલમાં ક્લાસ ટુ ઓફિસર બની સોરીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ તકે રવિ સોરિયા એ જણાવ્યું હતું કે ઘરની આર્થિક પરિસ્થિતિ પહેલેથી નિમ્ન મધ્યમ વર્ગની હતી નાની ઉંમરે જ સરકારી સેવામાં જોડાવાની અદમ્ય ઈચ્છા અને એક તાલાવેલી હતી. પિતાના એક નીચા પગારમાં આખા કુટુંબનું ભારણપોષણ અને સાથો-સાથ બંને દીકરાઓને ઉચ્ચ અભ્યાસ માટેનો ખર્ચ આ બધું એક નજીવા પગારમાંથી જ બધુ ચલાવવાનું હતું જેથી માતાપિતા સાથોસાથ ગામની ટૂંકી સૂકી જમીનમાં ખેતી કરતા જેની ઉપજ એક આર્થીક ટેકો પૂરું પાડતું.ખૂબ જ આર્થિક અસુરક્ષા નાની ઉંમરે જ જોયેલી હતી. તેથી સરકારી સેવામાં જોડાવાનું ઈચ્છા અને તાલાવેલી એક દ્રઢ સંકલ્પમાં પરિણમી ચુકી હતી. તેથી જ વધુ ફી લેતી અમદાવાદ, વડોદરા, સુરતની પ્રતિષ્ઠિત સેલ્ફ ફાયનાન્સ કોલેજને બદલે સરકારી ઇજનેરી કોલેજમાંથી અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું. વર્ષ 2013 થી 17 દરમિયાન લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ખાતેથી સિવિલ એન્જીનીયરનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ સાઈટ એન્જીનીયર તરીકે પ્રાઇવેટ કંપનીમાં થોડો સમય જોબ કરી ત્યાંજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા Assistant Engineer Class 2 (મદદનીશ ઇજનેર વર્ગ- 2) માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી. આ માલુમ પડતા તુરંત જ જોબ છોડી ગાંધીનગર ખાતે તૈયારી શરૂ કરી દીધી. આ સમયગાળા દરમિયાન સિવિલ ઇજનેરને લગતી ઘણી ભરતીઓ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. પરંતુ થોડો માર્ગદર્શનનો અભાવ અને ક્યાંકને ક્યાંક રહી જતી ખામીઓને લીધે શરૂઆતમાં પરીક્ષામાં નિષ્ફળતા સાંપડી હતી. આ જ સમયગાળામાં કેળવણીધામ-નિકોલ વિશે માહિતી એક અંગત બીજા મિત્ર મારફતે મળી જ્યાં પટેલ સમાજના તૈયારી કરતા ઉમેદવારો માટે એકદમ નજીવી ફીમાં કોચિંગ કલાસ, અત્યાધુનિક સુવિધાઓ વાળું વાંચનાલાય ,રહેવાની સુવિધા અને પૌષ્ટિક જમવાનું સાથોસાથ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો માહોલ પૂરું પાડવામાં આવતો હતું જેનો પુરેપુરો લાભ લઇ મહેનત ચાલુ રાખી નિષ્ફળતા મળતા થોડી હતાશા આવતી પરંતુ સાથોસાથ સરકારી સેવામાં જોડાવાનું સપનું એક સતત અંદરથી પ્રેરકબળ પૂરું પાડતું હતું સાથોસાથ માતાપિતા અને ભાઈ ભાભીનો મોરલ સપોર્ટ પૂરા પાડતા રહ્યા જેથી સતત 4 પરીક્ષામાં નિષ્ફળ થવા છતાં સતત મહેનત , દ્રઢ સંકલ્પ, હકારાત્મક અભિગમ રાખવાથી આખરે ગુજરાત જાહેર સેવા અયોગ દ્વારા લેવાયેલી જાહેરાત ક્રમાંક 32/201920 મદદનીશ ઈજનેર વર્ગ-2 (નર્મદા , જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ) 99માં ક્રમાંક સાથે ઈશ્વરની કૃપાથી ઉત્તીર્ણ થયો હોવાનું ઉમેર્યું હતું. અંતમાં રવિ સોરિયાએ પોતાની સફળતાનો શ્રેય પોતાના માતાપિતા, ભાઈ- ભાભી, બધા શિક્ષકો, મિત્રો ,બધા કુટુંબીજનો અને બધા શુભચિંતકો ને જાય છે તેમ જણાવી કહ્યું હતું કે હું મહેનત કરી પોતાની ભૂલો સુધારી ફરી પ્રયત્ન કરવા પ્રેરકબળ પૂરું પાડ્યું જે બધાનો હું આભારી છું. હાલ હવે ગુજરાત ઇજનેરી સેવા Executive Engineer & Dy Ex Engineer વર્ગ 1 & 2 (સિવિલ) ની પરીક્ષામા મહેનત કરીને એમાં ઉત્તીર્ણ થાય એવું લક્ષ હોવાનું અંતમાં જણાવ્યું હતું.