અંતે મોરબીમાં તંત્ર જાગ્યું ! ટેસ્ટિંગ વધારાશે, ચા-પાનના લારી ગલ્લે પોલીસ ધોંસ બોલાવશે જિલ્લા કલેકટરે યોજેલી બેઠકમાં પાલિકા, આરોગ્ય, આઇએમએ, પોલીસ, ડીડીઓ, સીરામિક એસોશિએશનના આગેવાનો રહ્યા હાજર મોરબી : મોરબીમાં કોરોના મહામારી ફરી બેકાબુ બનતા સ્થિતિ અત્યંત ગંભીર બની છે ત્યારે ગાંધીનગરથી ચૂંટેલા આદેશ બાદ આજે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કોરોના કાબુમાં લેવા અગત્યની બેઠક મળી હતી જેમાં કોરોના ટેસ્ટ વધારવા ઉપર ભાર મૂકી જિલ્લામાં વધુ ત્રણ સ્થળે કોરોના ટેસ્ટિંગ શરૂ કરવાની સાથે બંધ કરાયેલા કોવિડ કેર ફરી શરૂ કરવાની સાથે પોલીસને કડક હાથે કામ લેવા અને ચા-પાનના લારી ગલ્લે ઉમટી ભીડને કાબુમાં લેવાની સાથે રાત્રે નવ વાગ્યા બાદ કામ વગર ખોટા આંટાફેરા કરતા સામે લાલઆંખ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેર અને જિલ્લામાં કોરોના કેસનો રાફડો ફાટતા આરોગ્ય વિભાગ ગાંધીનગર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને પ્રવર્તમાન સાથીને અંકુશમાં લેવા ફરમાન થતા આજે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને અગત્યની બેઠક મળી હતી જેમાં પાલિકા,આરોગ્ય, આઇએમએ, પોલીસ, ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપરાંત સીરામીક એસોસીએશનના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આજની આ બેઠકમાં મોરબી જિલ્લામાં હાલમાં પાંચ સ્થળે કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે તેમાં વધારો કરી આઠ સેન્ટર ઉપર ટેસ્ટિંગ કરવા નક્કી કરી બંધ થઇ ગયેલા કોવિડ કેર સેન્ટર ફરી શરુ કરવાની સાથે સખાવતી સંસ્થા દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તૈયારી દર્શવવામાં આવે તો સેન્ટર શરૂ કરવા મંજુરી આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. દરમિયાન આજની આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ મોરબી શહેર જિલ્લામાં કોરોના સંક્ર્મણ ઘટાડવા પોલીસને વિશેષ જવાબદારી સુપ્રત કરી ચા અને પાનની લારી ગાલે ઉમટી રહેલી ભીડને નિયંત્રિત કરવા અને રાત્રીના નવ વાગ્યા બાદ ખોટા આંટાફેરા કરતા તત્વો સામે પણ લાલઆંખ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.