શહેરની ચાર પૈકી ત્રણ લેબોરેટરીએ આરટીપીસીઆર ટેસ્ટ બંધ કર્યા હોવાના પાટિયા લટકાવી દીધા મોરબી : મોરબીમાં કોરોના ટેસ્ટિંગમાં રેપિડ ટેસ્ટ કીટના અભાવ વચ્ચે અનેક લોકો ખાનગીમાં કોરોના ટેસ્ટ કરાવતા હતા. પરંતુ આજે સવારથી અચાનક જ ખાનગી પેથોલોજી લેબોરેટરી દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ બંધ હોવાના પાટિયા લટકાવી દેતા લોકો મૂંઝવણમાં મુકાયા છે. હવે ફક્ત સરકારી હોસ્પિટલમાં જ ટેસ્ટ કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી શહેર અને જિલ્લામાં કોરોના મહામારીએ ફરી કાળો કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. ત્યારે કોરોના ટેસ્ટિંગ માટે મોરબીમાં મંજૂરી ધરાવતી ચાર પૈકી ત્રણ ખાનગી લેબોરેટરી દ્વારા અચાનક જ આજથી કોરોના ટેસ્ટ માટે આરટીપીસીઆર ટેસ્ટિંગ બંધ કરી દીધું છે. આ બાબતે લેબોરેટરી સંચાલકોનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે હાલમાં ટેસ્ટિંગ માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય પહોંચી શકાય તેવી સ્થિતિ નથી. અહીંથી સેમ્પલ લીધા બાદ અમદાવાદ અને રાજકોટ ખાતે સેમ્પલ મોકલવામાં આવે છે. જેનો રિપોર્ટ આવતા 24 કલાક થાય છે. પરંતુ લોકો ધીરજ રાખતા ન હોય હાલ પૂરતું ટેસ્ટિંગ બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં એબીઓ, લહેરું અને પ્રી કયોર લેબોરેટરી દ્વારા આજથી કોરોના ટેસ્ટિંગ બંધ કરવામાં આવ્યું છે અને હવે ફક્ત એકયુરા નામની લેબોરેટરી દ્વારા જ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે મોરબીમાં ચારેય ખાનગી લેબોરેટરીમાં કુલ મળી અંદાજે 400 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હોવાનો અંદાજ છે. ત્યારે આજથી ખાનગી લેબોરેટરી દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ બંધ કરવામાં આવતા હવે લોકોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડશે.