પાટીદાર પરિવારોને કાયમી તજજ્ઞ દ્વારા માર્ગદર્શન અપાશે મોરબી : મોરબી શહેર - જિલ્લામાં વસવાટ કરતા પાટીદાર પરિવારોને દરેક બાબતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુ સાથે પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ અને ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા સંચાલિત પાટીદાર માર્ગદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે. પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ અને ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા પાટીદાર પરિવારોને મેડિકલ, રોજગાર, કાનૂન સહિતની તમામ બાબતોમાં જે તે ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટે પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ ઓફીસ, એફ -29, આશાપુરા ટાવર , નવા બસ સ્ટેશન સામે શનાળા રોડ, મોરબી ખાતે ભાજપ અગ્રણી રાઘવજીભાઈ ગડારાના હસ્તે આ માર્ગદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે. આ માર્ગદર્શન કેન્દ્રમાં પાટીદાર પરિવારોને દરરોજ નિવૃત અધિકારીઓ, એડવોકેટ, નોટરી સહિત અલગ અલગ વિભાગના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. પાટીદાર માર્ગદર્શન કેન્દ્રના ઉદઘાટન સમયે કોરોના વેકસીનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું જેમાં વિવિધ સમાજના 600 જેટલા લોકોએ કોરોના વેકસીન મુકાવી હતી.