50થી વધુ ઉદ્યોગકારોનું ડેલીગેશન મોસ્કોની મુલાકાતે : ઉદ્યોગકારોએ રાજદ્વારી શાહી ભોજનનો લાભ લીધો મોરબી : કોરોના મહામારી બાદ મોરબી સિરામિક ઉદ્યોગનો સિતારો વધુ બુલંદ બની રહ્યો છે ત્યારે રશિયાના મોસબિલ્ડ ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં મોરબીની 10 કંપનીઓએ પોતાની પ્રોડકટ રજૂ કરી રશિયાની બજાર સર કરવા પ્રયાસ તેજ કર્યા છે. વૈશ્વિક બજારમાં મોરબીની સિરામિક પ્રોડક્ટને અગ્રીમ સ્થાન મળે તે માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારો સતત પ્રયત્નશીલ છે જેમાં રશિયાના મોસબિલ્ડ ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં 10 કંપનીઓ ભાગ લઈ પોતાની પ્રોડક્ટ રજૂ કરી છે. આ ઉપરાંત મોરબી સિરામિક ઉદ્યોગના 50 સભ્યોનું ડેલીગેશન પણ હાલમાં મોસ્કોની મુલાકાતે ગયું છે. વધુમાં મોરબી સિરામીક એસોશિએશનના પ્રયત્નોથી મોસ્કો,રશિયા ખાતે ભારતીય દુતાવાસમા આ તમામ ઉધોગકારોને રાજદ્વારી શાહી ભોજન માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ભારતમાથી જતા સરકારી અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનોના ડેલીગેશનને જ આ લાભ મળતો હોય છે ત્યારે મોરબીના ઉધોગકારોએ આ શાહીભોજનની તક મળી હતી. ઉલ્લેખનીય છે કે રશિયામાં ભારતીય રાજદુત વેંકટેશ વર્માજી વર્ષ ૨૦૧૭ મા સ્પેનમા ભારતીય રાજદુત હતા અને ત્યાના સિરામીક કેપીટલ કેસ્ટેલોનમા પણ મોરબીના સિરામીક ઉદ્યોગથી પ્રભાવિત થયેલ અને પ્રચાર પ્રસરમાં મદદરૂપ બન્યા હતા અને રશીયામા પણ તેઓએ ભારતના સિરામીક ઉધોગ માટે બનતી મદદ કરવાની તત્પરતા દેખાડેલ હોય મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ભારતીય રાજદુત તેમજ ભારત સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરાયો છે.