આરટીઓ નજીક ગોરખીજડિયાના પાટિયે તસ્કરોએ આરામથી ચોરીને અંજામ આપ્યો મોરબી : આજના સમયમાં ગમે તેટલું કમાવા છતાં ગરીબ મધ્યમવર્ગના બે છેડા ભેગા થવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે તસ્કરોને પણ મોંઘવારી નડી હોય તેમ ગઈકાલે મોરબીની ભાગોળે કરિયાણાની દુકાનમાં આરામથી ચોરી કરી તસ્કરો રોકડ ને બદલે ઘઉંનો લોટ, ચોખા, તેલની સાથે 25 જોડી ચપ્પલ પણ ચોરી જતા આશ્ચર્ય સર્જાયું છે જો કે, ચોરીની આ ઘટનામાં હજુ ફરિયાદ નોંધાઈ નથી. મોરબીની ભાગોળે આરટીઓ કચેરી નજીક ગોરખીજડીયા ગામ જવાના પાટિયા પાસે આવેલ જય ગણેશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનમાંથી 50 કિલોગ્રામ ચોખા, 50 કિલોગ્રામ લોટ, 20 તેલના પાઉચ, દૂધની કોથળીઓ,કરિયાણાનો અન્ય સામાન, ગુટખા - સિગારેટ અને 25 જોડી ચપ્પલ પણ ઉઠાવી ગયા હતા. જો કે ચોરીની આ ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી તસ્કરોએ ચોરી કર્યા બાદ દુકાનમાં આઈસ્ક્રીમ પણ આરોગ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોરીની આ વિચિત્ર ઘટનામાં દુકાનદાર પણ આશ્ચર્યમાં મુકાયો છે.