સેવાસદનમાં બંધ હાલતમાં રહેલા વોટર કુલરને ચાલુ કરવા માર્ગ અને મકાન વિભાગને રજુઆત મોરબી : મોરબી તાલુકા સેવાસદનમાં રહેલા વોટર કુલર ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે.સેવાસદનમાં જુદા જુદા કામો માટે દૂર-દૂરથી આવતા સેંકડો લોકોને પીવાના પાણી માટે જ્યાં ત્યાં વલખા મારવાની નોબત આવી છે.હાલ ઉનાળામાં વારેવારે પીવાના પાણીની જરૂરિયાત ઉભી થતી હોવાથી વિશાળ જનસમુદાયને ધ્યાને લઈને આ પાણી.પ્રશ્ન ઉકેલવાની માંગ સાથે માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી છે. મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરી હતી કે, મોરબીના સામાંકાંઠે લાલબાગ પાસે આવેલ તાલુકા સેવાસદનમાં નાગરિકોને પીવાના પાણી માટે વર્ષોથી ઠંડા પાણીના ચાર ફ્રીજ મુકેલ છે પણ આ ચારેય ફ્રીજ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.એટલું જ નહીં આ બંધ હાલતમાં રહેલા ફ્રીજ પાસે ગંદકીનો જમાવડો થયો છે. ખાસ કરીને આ ફ્રીજ બંધ હોવાથી ઉનાળામાં સૌથી મોટી મુશ્કેલી ઉભી થાય છે.હાલ ઉનાળો શરૂ થઈ ગયો હોય વારંવાર પીવાના પાણીની જરૂરિયાત ઉભી થતી હોય પણ ઠંડુ શુદ્ધ પાણી ન મળતા તાલુકા સેવાસદને વિવિધ કામો માટે આવતા સિનિયર સિટીજનો, નાના બાળકો સાથે આવતી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો.પડે છે. જો કે આ ફ્રીજ ચાલુ કરવા માટે અગાઉ અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.પણ હજુ સુધી ફ્રીજ ચાલુ થયા નથી તેથી દર વખતે ઉનાળામાં લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.આથી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને વહેલી તકે ફ્રીજ ચાલુ કરવાની તેઓએ માંગ ઉઠાવી છે.સાથેસાથે સેવાસદનમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં ટોયલેટમાં પથ્થરો તૂટી ગયા હોવાથી વહેલી તકે તેનું રિપેરીગ કરવાની પણ માંગ કરી છે.