બાઇકસવારને મારુતિ કારની હડફેટે લઈ ચાલક ફરાર વાંકાનેર: તાલુકાના સરધારકા ગામથી ગાંગીયાવદર તરફ જતા માર્ગ પર મારુતિ ફ્રન્ટી કારના ચાલકે બાઇકસવારને હડફેટે લેતા ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ જતા વાંકાનેર તાલુકા પોલીસે કારના નંબરને આધારે તેની શોધખોળ આદરી છે. તારીખ 28 માર્ચને રવિવારે રાત્રીના આશરે નવ કલાકે વાંકાનેર તાલુકાના સરધારકા ગામથી ગાંગીયાવદર તરફ જતા માર્ગ પર તલાવડી પાસે મારુતિ ફ્રન્ટી કાર નંબર GJ 01- HN- 6448ના ચાલકે બાઇક નંબર GJ- 36M- 1740 લઈને જઈ રહેલા નવઘણ હરજીભાઈ વાટુકિયાને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા નવઘણભાઈનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ દેવરાજભાઈએ બનાવની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કરતા નાસી ગયેલા કારચાલકને ઝડપી લેવા પોલીસે કવાયત આદરી છે. બનાવની તપાસ પોલીસ સબ ઇન્સ. કે.એચ. રાવલ ચલાવી રહ્યા છે.