ધુળેટીના દિવસે સમગ્ર જિલ્લામાં પોલીસની 20થી વધુ ટીમો ખડેપગે રહેશે મોરબી : મોરબીમાં કોરોનાની જોરદાર ઇફેક્ટને કારણે હોળી-ધુળેટીનો ઉમંગનો રંગ ફિક્કો પડી ગયો છે આજે છેલ્લી ઘડીએ પણ બજારો શુષ્ક રહી હતી.બજારોમાં છેલ્લી ઘડીએ ખરીદી માટે લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.જો કે, હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી કરવા માટે દરેકના હૈયામાં ઉમગ ઉલ્લાસ હોય છે.પણ ફરી કોરોનાની એન્ટ્રીથી લોકોના ઉમગ ઉલ્લાસની પથારી ફરી ગઈ છે.કોરોનાને લઈને સરકારે ધુળેટીની જાહેરમાં ઉજવણીનો પ્રતિબિંબ મુક્યો હોય એ નીયમનો ચુસ્તપણે પાલન કરવા પોલીસ મેદાને આવી છે. મોરબીમાં છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના તાંડવથી લોકોના તમામ તહેવારો બગડ્યા છે.ત્યારે હવે ફરી કોરોનાના આંતકને પગલે હોળી અને ધુળેટીની સરકારે જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.આથી મોરબીમાં જાહેર ધુળેટી રમવા ઉપર સરકારના પ્રતિબંધની કડક અમલવારી માટે સ્થાનિક પોલીસ તંત્ર સજ્જ બન્યું છે.આ નિયમની ચુસ્ત અમલવારી માટે મોરબી જિલ્લામાં 20 થી વધુ ટિમો ખડેપગે રહેશે.આ પોલીસ ટિમો દ્વારા જિલ્લાભરમાં સતત પેટ્રોલીગ કરવામાં આવશે. આ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે, એસપી એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા પોલીસની જાહેરમાં ધુળેટી રમતા લોકો ઉપર ચાંપતી નજર રહેશે.ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફની ટીમો તેમજ એલસીબી, એસઓજી ટીમો સઘન પેટ્રોલીગ કરીને જાહેરમાં ધુળેટી રમતા કે છાકડા બનતા તત્વો તેમજ પરાણે રંગ ઉડાડતા તત્ત્વો અને દારૂ પીને ધમાલ મચાવતા ધ્યાને આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.આથી તેઓએ લોકોને સાવચેતીના ધ્યાને લઈને જાહેરમાં ધુળેટી ન રમવાની અપીલ કરી છે અને ઘરેબેઠા જ ધુળેટી ઉજવવાની લોકોને અપીલ કરી છે .આમ છતાં પણ જે લોકો જાહેરમાં ધુળેટી રમશે કે રોમિયોગીરી કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાનો તેમણે નિર્દેશ આપ્યો છે.જો કે આજે હોળીનું પર્વ હોવાથી કોરોનાને ધ્યાને લઈને સામાજિક અંતર રાખીને ઠેરઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું.લોકોએ આસુરી શક્તિ સમાન કોરોનાનું પણ દહન થાય તેવી પ્રાર્થના કરી હતી.