ફાયર એનઓસી કેમ્પમાં જિલ્લાની હોસ્પિટલો અને સ્કૂલોના ગણ્યા ગાંઠ્યા સંચાલકો જ હાજર રહ્યા ફાયર વિભાગ પાસે નિયમોની પુરી જાણકારી જ ન હોવાથી એનઓસી મેળવવા આવેલા લોકોમાં કચવાટ મોરબી : રાજ્યમાં હોસ્પિટલ અને શાળામાં અગ્નિકાંડની દુર્ઘટના પછી હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ સરકાર અને તંત્ર ગંભીર બનીને તમામ હોસ્પિટલો અને સ્કૂલો તેમજ કોચિંગ કલાસીસોમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત વસાવી લેવાના આદેશ બાદ આ ફાયર સેફટીના સાધનો વસાવી લીધા પછી એના એનઓસી આપવા માટે મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે આજે પ્રથમ વખત ફાયર એનઓસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ઢંગધડા વગરના આયોજનને કારણે આ ફાયર એનઓસી કેમ્પનો ફિયાસ્કો થયો હોય એવું ચિત્ર ઉપસ્યું હતું ફાયર વિભાગના તજજ્ઞ અધિકારી અને ખુદ ચીફ ઓફિસરની ગેરહાજરીમાં તંત્રના બે અધિકરીઓને બેસાડી દેવાતા નિયમો અંગેની કશી જ જાણકારી ન હોવાથી શાળા સંચાલકોમાં ભારે કચવાટ ફેલાયો હતો. મોરબી પાલિકાના ટાઉનહોલ આજે જિલ્લાની તમામ સરકારી ખાનગી હોસ્પિટલો અને સ્કૂલો તેમજ કોચિંગ ક્લાસિસોને ફાયર એનઓસી આપવાના કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લાની હોસ્પિટલો અને સ્કૂલોના ગણ્યા ગાંઠ્યા સંચાલકી જ હાજર રહ્યા હતા. જો કે, હોસ્પિટલો, સ્કૂલો અને કોચિંગ ક્લાસિસોમાં ફાયર સેફટીના સાધનો વસાવ્યા બાદ ફાયર એનઓસી કેવી રીતે મેળવવું ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ સહિતનું માર્ગદર્શન જ તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવ્યું ન હતું. આ ફાયર એનઓસી કેમ્પમાં એકમાત્ર બાંધકામ વિભાગના એન્જિનિયર અને ચીફ ઓફિસરના પીએ અને પાલિકા પ્રમુખ હાજર રહ્યા હતા.જ્યારે સૌથી ગંભીર બાબત એ હતી કે, ખુદ ફાયર વિભાગને પણ ફાયર એનઓસી માટે ક્યાં ક્યાં નિયમો હોવા જોઇએ તે અંગેની કોઈ માહિતી જ ન હતી. ફાયર વિભાગ પાસે જ પૂરતી માહિતી ન હોવાથી સ્કૂલો અને હોસ્પિટલોન સંચાલકોએ બળાપો ઠાલવ્યો હતો કે, ખુદ ફાયર વિભાગને જ જાણકારી ન હોય અમને યોગ્ય માર્ગદર્શન જ મળ્યું નથી અને ફાયર એનઓસી લેવા માટેના મુંઝવતા પ્રશ્નો પણ અણ ઉકેલ રહેતા હોસ્પિટલો અને સ્કૂલોના સંચાલકોમાં કચવાટ જોવા મળ્યો હતો. જો કે બે વર્ષ પહેલાં અમૂકે ફાઈલ સબમિટ કરી દીધી હોવા છતાં હજુ સુધી ફાયર એનઓસી મળી નથી. આ બાબતે કોઈ જવાબ પણ મળ્યો નથી. આ ફાયર એનઓસીના જિલ્લા કક્ષાનો કેમ્પ યોજ્યો હોય ત્યારે તજજ્ઞોની ટિમ હાજર રહીને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ એના બદલે અધિકારીઓ હાજર ન રહીને માત્ર ગણ્યા ગાઠયાં લોકોએ જ નોંધણી કરાવી હોય આ કેમ્પ મતલબ વગરનો સાબિત થયો હતો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજાએ જણાવ્યું હતું કે, આજે અમે શાળા સંચાલકો ફાયર એનઓસી લેવા ગયા હતા.પણ પુરુતું માર્ગદર્શન મળ્યું જ નથી. કેવી રીતે એનઓસી લેવી, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ વગેરેનું માર્ગદર્શન જ અપાયું નથી. આથી આવી સ્થિતિમાં અમને કેવી રીતે એનઓસી મળે? આ ગંભીર બાબતે તંત્ર દ્વારા ફાયર વિભાગના નિષ્ણાંત અધિકારીઓને હાજર રાખી શાળાઓ માટે ફાયર એનઓસીનો પ્રશ્ન ઉકેલવો જોઈએ તેવો સુર ઉઠ્યો હતો.