લતીપર ચોકડીએ ડાબી બાજુ જબલપુર ગામની સોસાયટી અને જમણી બાજુ ટંકારાની સોસાયટી ટંકારા : 26 જાન્યુઆરીએ આવેલા ગોઝારા ભૂકંપ બાદ ટંકારા ગામે લતીપર ચોકડીએ વસવાટ વધતા બે ગામ વચ્ચેનું અંતર ઘટીને ફક્ત એક રોડ જેટલું જ રહ્યું છે, જો કે ટંકારાને અડોઅડ આવેલ જબલપુર ગામની સોસાયટી આમ તો ટંકરા ગામનો જ હિસ્સો ગણાઈ રહી છે. ટંકારામાં સરકારી સુવિધાઓના અભાવ વચ્ચે પણ દિવસે દિવસે વિકાસ વેગવંતો બન્યો છે, ખાસ કરીને મોરબી સિટીને અડીને આવેલા ટંકારામાં નૈસર્ગીક વાતાવરણ અને સારી શાળાઓને કારણે નવો સોસાયટી વિસ્તાર વધ્યો છે આજુબાજુના ગામડાઓમાંથી પણ અહીં સ્થળાંતર કરી ને આવતા લોકો વધ્યા છે ત્યારે ભુકંપ બાદ નવનિર્માણ પામેલા મકાનોએ ટંકારાનો ભૌગોલિક નકશો બદલ્યો છે. લતીપર ચોકડી વિસ્તારમાં વસ્તી વ્યાપ વધ્યો છે અને રોડની એક તરફ ટંકારા અને બીજી તરફ જબલપુર સર્વે નંબરની જમીનો ઉપર સોસાયટીઓ બની જતા બન્ને તરફ સફાઈ વેરો પાણી લાઈટ સહિતની સુવિધા અલગ - અલગ પંચાયત હસ્તક પુરી પાડવામાં આવી રહી છે. આમ, જવલ્લે જ જોવા મળતા ટૂંકા સીમાડાને કારણે હાલ ટંકારામાં શહેરીકરણ વધતા બે ગામ વચ્ચેનું અંતર ઘટીને એક રોડ પૂરતું જ સીમિત રહેતા આવનાર દિવસોમાં રાજકીય ઇચ્છાશક્તિ પોઝિટિવ રહેશે તો ટંકારા પણ જરૂરથી પાલિકામાં પરિણમશે.