મોરબી: થોડા દિવસો પૂર્વે કંડલા-માળીયા હાઇવે પર લૂંટની બે ઘટનાને અંજામ આપી ચકચાર મચાવનાર આરોપીને તાલુકા પોલીસે કરેલી પાસાની દરખાસ્તને આધારે સુરતની જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પૂર્વે મોરબી તાલુકા પોલીસ સ્ટે.ની હદમાં આવતા માળીયા-કંડલા હાઈવે ઉપર લુંટના બે બનાવોને અંજામ આપનાર આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટને પાસાની દરખાસ્ત મોકલી હતી. પાસાની આ દરખાસ્તને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂર કરતાં આ શખ્સને ઝડપીને સુરત જેલ હવાલે કરવામાં આવ્યો છે. પીઆઇ આર.એમ.ગોઢાણીયા તેમજ સ્ટાફે લુંટના ગુનામાં સંડોવાયેલા 19 વર્ષીય આફતઅલી ઉર્ફે અફસર ઉર્ફે અસગર જાકમ ભટ્ટી (રહે. મોરબી, વીસીપરા, મદીના સોસાયટી, ફારૂકભાઇ મેમણના ઘરની પાસે) વાળા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા અંગે દરખાસ્ત કરી હતી. જેને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂરીની મહોર લાગતા મોરબી તાલુકા પી.આઇ. આર.એમ. ગોઢાણીયા તથા સ્ટાફે આફતઅલી ભટ્ટીની ધરપકડ કરીને તેને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.