સવારે માત્ર ગ્રામીણ ઘરાકી દેખાઈ - પિચકારી, રંગનાં વેપારીઓ જુવે છે ગ્રાહકોની રાહ! વાંકાનેર : આ સાલ કોરોનાની અસરને કારણે હોળી ધુળેટી પર્વનો પણ શુષ્ક માહોલ જોવા મળ્યો હતો. સવારે માત્ર ગ્રામીણ ઘરાકીને બાદ કરતા એકંદરે બજાર ખાલી ખમ જોવા મળી હતી. કોરોના મહામારીએ આખા વર્ષ દરમ્યાન દરેક તહેવારોની ઉજવણી બગાડી છે. ત્યારે આવતી કાલે હોળી અને સોમવારે ધુળેટી પર્વ હોવા છતાં વાંકાનેરની મુખ્ય બજારમાં જોઈએ તેવો કરંટ દેખાયો નથી. સવારે માત્ર ગ્રામીણ ઘરાકી જોવા મળી હતી અને ખજૂર, ધાણી દાળિયા, હારડાની ખરીદી નીકળી હતી. તેવું વેપારીઓએ જણાવ્યું હતું. જોકે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકાર દ્વારા ધુળેટી ઉજવણી પર નિયંત્રણ લાદવામાં આવતા મોટાભાગના પિચકારી રંગોનાં વેપારીઓનો માલ જેમનો તેમ સજાવેલો જોવા મળ્યો હતો. દરમિયાન આવતીકાલે સોશ્યલ ડિસ્ટન્સ સાથે રાબેતા મુજબ ઠેર-ઠેર હોલિકા દહન કરવામાં આવશે. પરંતુ હોળી કે ધુળેટી દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સરકારી ગાઈડ લાઈનનો ભંગ થશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તેમ શહેર પી.આઈ. વી.એલ.પટેલ દ્વારા જણાવાયું હતું. ત્યારે કોરોના મહામારી જ્યારે હવે એક વર્ષથી પીછો નથી છોડી રહી ત્યારે આ મહામારી રૂપી રાક્ષસ આવતી કાલે હોળી પર્વ હોય સમગ્ર વિશ્વમાંથી ભસ્મીભૂત થઈ જાય તેવી કામના સાથે ઠેર - ઠેર હોલિકા દહન કરવામાં આવશે.