આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ ખરડાયેલો હોવાનું સામે આવ્યું માળીયા : માળીયા મીંયાણા પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી સહિતના ગુન્હાઓ અછરીને સ્થાનિક પોલીસને નાકે દમ લાવી દેનાર દારૂ સહિતના અનેક ગુન્હામાં વોન્ટેડ રહેલા આરોપીને આંખરે દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના ઘરે દોરડો પડયો ત્યારે દારૂ-બીયરની સાથે પિસ્તોલ જેવા હથિયાર મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે આ આરોપીને દારૂ-બીયર અને હથિયાર સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને ડીવાયએસપી રાધીકા ભારાઈની સૂચનાને પગલે હાલ જિલ્લાભરમાં હોળી-ધુળેટી નિમિતે દારૂની પ્રવૃતિઓ નાબૂદ કરવા ઉપર પોલીસની ખાસ તવાઈ ચાલી રહી છે અને જિલ્લાભરમાં દારૂના બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા બુટલગેર સામે અનેક ગુન્હા નોંધાયેલા હોય અને આ ગુન્હામાં ફરાર હોવાથી એસપીએ ધુળેટીની ખાસ ડ્રાઈવના અનુસંધાને તેને ઝડપી લેવાની માળીયા પોલીસને સૂચના આપી હતી. જેના પગલે માળીયા પોલીસ સ્ટાફે બાતમીના આધારે અજયસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ.૨૯, રહે.મોટા દહીંસરા, દરબાર શેરી) ના રહેણાંક મકાને દોરડો પાડ્યો હતો. જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશીદારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ ૩૬૭ કિ.રૂ. ૧,૪૭,૬૦૦ તથા બીયર ટીન નંગ-૧૨૦ કિ.રૂ. ૧૨,૦૦૦/ ના મળી કુલ કિ.રૂ. ૧,૫૯,૬૦૦ નો મુદામાલ તેમજ એક ગેરકાયદે પિસ્તોલ અને એક કારતુસ મળી આવ્યા હતા. આથી, પોલીસે આ તમામ મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. જેમાં તેની સામે 15 જેટલા નાના મોટા ગુન્હા નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું.