મચ્છુ નદીમાં લીઝ બ્લોકનું ઓક્શન થતાની સાથે જ કમાઈ લેવા ખનીજચોરો મેદાને 25 લાખનું હિટાચી બિન વારસુ કબ્જે વાંકાનેર : મોરબી જિલ્લામાં રેતીની બેફામ પણે ખનીજચોરી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર તાલુકાના મહિકા ગામે મચ્છુ નદીમાં રેતીની લીઝ મંજુર કરવાની પ્રક્રિયા પ્રોસેસમાં હોવા છતાં ખનીજચોરી કરવાના ઉદેશ્યથી ગેરકાયદેસર રેતી કાઢવાનું શરૂ થતા આજે ખાણખનીજ વિભાગે સપાટો બોલાવી હિટાચી સહિતના સાધનો કબ્જે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે,નોંધનીય છે કે રેતીચોરીમાં રાજકીય માથાની સંડોવણી હોય આજે ખનીજચોરીના કિસ્સામાં ખાણખનીજ વિભાગ ઉપર કેસ નહીં કરવા ભારે દબાણ થયું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. વાંકાનેર તાલુકાના મહીકા ગામે મચ્છુ નદીમાં બેફામ પણે સાદી રેતીની ખનીજચોરી થતી હોય સરકાર દ્વારા અહીં રેતીના બ્લોકનું ઓક્શન કરી લીઝ આપવાનું કાર્યવાહી હાથ ધરી છે જો કે હજુ કોઈપણ અસામીને લીઝ આપવામાં આવી ન હોવા છતાં ગામમાં ઉહાપોહ ન થાય તે માટે ખનીજચોરો દ્વારા અહીં ગેરકાયદેસર રીતે પોતાની લીઝ હોવાના બોર્ડ લગાવી દઈ દિવસ રાત રેતી કાઢવાનું શરૂ કરાતા જાગૃત ગ્રામજનોમાં આ લીઝ કોની તેની જિજ્ઞાસા જાગી હતી અને ખાણખનીજ વિભાગને રેતીચોરી થતી હોવા અંગે ફરિયાદો પણ કરવામાં આવી હતી. બીજી તરફ આજે ખાણખનીજ વિભાગ દ્વારા મહીકાની મચ્છુ નદીમાં દરોડા પાડવામાં આવતા ખનીજચોરોમાં નાસભાગ મચી ગઈ હતી અને તંત્ર દ્વારા અહીંથી રેતીચોરીમાં ઉપયોગમાં લેવાતું રૂપિયા 25 લાખની કિંમતનું હિટાચી મશીન બિનવારસુ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ ખનીજચોરી પાછળ રાજકીય આગેવાનોના આશીર્વાદ હોય કેસ ન કરવા ભારે ધમપછાડા થયા હોવાનું પણ ભાર આવ્યું છે આ સંજોગોમાં હવે ખાણખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી કરતા હવે તપાસ ક્યાં સુધી પહોંચશે તે જાણવા લોકોમાં જિજ્ઞાસા જાગી છે.