રિમાન્ડ દરમિયાન આરોપીઓ પોતાને છુપાવવામાં મદદ કરનાર સાગરીતોના નામ આપતા પોલીસે કાર્યવાહી કરી મોરબી : મોરબીમાં યુવાનના ચકચારી મર્ડર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા એક દિવસની રિમાન્ડ મંજુર થયા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપીએ પોતાને છુપાવવામાં મદદ કરનાર સાગરીતોના નામ આપ્યા હતા. આથી પોલીસે આરોપીને મદદ કરનાર તેના બે સાગરીતોને પણ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના વણકર વાસમાં રહેતા 24 વર્ષીય યુવાન અજિત ગોરધનભાઈ પરમારની સોમવારે રાત્રે સામાંકાંઠે ત્રાજપર ચોકડી એસ્સાર પેટ્રોલપંપ પાસે છરીના ઘા ઝીકીને હત્યા કરાયાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાતમીના આધારે હત્યારા આરોપી રમેશભાઈ મંગાભાઈ ભરવાડ (રહે. ત્રાજપર-મોરબી) ને મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. બાદમાં આ આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તે મારામારી ઉપરાંત વર્ષ 2007માં હત્યાના ગુનામાં પણ સંડોવાયેલ હતો. પોલીસે રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી હતી અને હત્યા કરીને ક્યાં ક્યાં છુપાયો અને કોણે આશરો આપ્યો તે અંગેની પૂછપરછ કરતા એક મહિલા સહિત ત્રણની સંડોવણી બહાર આવી હતી. જેમાં આરોપી હત્યા કર્યા બાદ મિત્ર જુલીબેન પેથાભાઈ મોરવડીયા તથા જુલીબેનના જમાઈ કિશન બાબુભાઈ વાલીયાણી અને એક હિતો નામના શખ્સે આશરો આપ્યો હતો. આથી, પોલીસે આરોપીને આશરો આપવાના ગુન્હામાં જુલીબેન પેથાભાઈ મોરવડીયા તથા જુલીબેનના જમાઈ કિશન બાબુભાઈ વાલીયાણીની ધરપકડ કરી હતી.