કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા મોરબી : મોરબીમાં મર્ડર કેસના આરોપીની અટકાયત બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા એક દિવસની રિમાન્ડ મંજુર થઈ છે. વધુમાં પ્રાથમિક તપાસમાં આ હત્યારો અગાઉ પણ એક હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાનું માલુમ પડ્યું છે. મોરબીના વણકર વાસમાં રહેતા 24 વર્ષીય યુવાન અજિત ગોરધનભાઈ પરમારની સોમવારે રાત્રે સામાંકાંઠે ત્રાજપર ચોકડી એસ્સાર પેટ્રોલપંપ પાસે છરીના ઘા ઝીકીને હત્યા કરાયાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ બાતમીના આધારે હત્યારા આરોપી રમેશભાઈ મંગાભાઈ ભરવાડ (રહે ત્રાજપર-મોરબી) ને મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસેથી દબોચી લીધો હતો. બાદમાં આ આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ કેસમાં આરોપી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તે મારામારી ઉપરાંત વર્ષ 2007માં હત્યાના ગુનામાં પણ સંડોવાયેલ હતો.